Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

તારા કારણે હું નાપાસ થયો : મારો ધ્યાન ભંગ થયો : ફીના પૈસા તારે દેવા પડશે

બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને જવાબદાર ગણી વળતર માંગ્યું

ઔરંગાબાદ તા. ૧૧ : મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પોલીસે ૨૧ વર્ષના એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીની (BHMS) અભ્યાસ કરનારા વિદ્યાર્થીને પોલીસે પૈસા વસૂલવા અને છેતરપિંડીના આરોપમાં પકડ્યો છે. પરીક્ષામાં નાપાસ થવા પાછળ પોતાની ગર્લફ્રેન્ડને જવાબદાર ગણાવીને યુવક તેની પાસેથી પહેલા વર્ષની ફી માગી રહ્યો હતો.

મેડિકલ વિદ્યાર્થી બીડ જિલ્લાનો રહેવાસી છે. ઔરંગાબાદની એક મેડિકલ કોલેજમાં તેણે પાછલા વર્ષે એડમિશન લીધું હતું. આ દરમિયાન કલાસમાં સાથે ભણતી એક મેડિકલની વિદ્યાર્થિની સાથે તેને પ્રેમ થઈ ગયો. આરોપી વિદ્યાર્થી ભણવામાં હોંશિયાર હતો પરંતુ તેણે અભ્યાસમાં ધ્યાન ન આપ્યું અને પહેલા વર્ષની પરીક્ષામાં નાપાસ થઈ ગયો. આ બાદ ચાર વર્ષના BHMSના કોર્સના બીજા વર્ષ માટે તેને એડમિશન ન મળ્યું.

નાપાસ થયા બાદ તેણે પોતાની ગર્લફ્રેન્ડ પર આરોપો લગાવવાનું શરૂ કરી દીધું. આ બાદ યુવકે ગર્લફ્રેન્ડને કહ્યું કે તેને થયેલા નુકસાનની ભરપાઈ માટે તે પહેલા વર્ષની ફી આપે. યુવકની માગણીથી ડરેલી યુવતીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આમ છતાં આરોપી યુવક માન્યો નહીં. વારંવાર ફોન પર મેસેજ મોકલવા ઉપરાંત તે યુવતીને ફોન કરીને પરેશાન કરવા લાગ્યો. જયારે યુવતીએ તેને ભાવ ન આપ્યો તો આરોપી સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરવા લાગ્યો. યુવકે પોતાની ગર્લફ્રેન્ડના પિતા અને તેના પરિવાર વિશે ખોટી પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં તેણે સોશિયલ મીડિયા પર યુવતીની તસવીર અપલોડ કરીને તેને બદનામ કરવાની ધમકી આપી દીધી.

(3:44 pm IST)