Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ગુગલનો રિપોર્ટ

જીવનસાથી કરતા વધારે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ શોધી રહ્યા છે ભારતના યુવાઓ

નવી દિલ્હી તા. ૧૧ : સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલની એક રિપોર્ટ મુજબ ભારતના લોકો મેટ્રિમોનિયલ સાઈટ્સ પર લાઈફ પાર્ટનર શોધવાથી વધારે ડેટિંગ સાઈટ્સ પર પાર્ટનર શોધવાનું વધારે પસંદ કરે છે. ગૂગલની 'યર ઈન સર્ચ-ઈન્ડિયાઃ ઈનસાઈટ્સ ફોર બ્રાન્ડ્સ'ની રિપોર્ટમાં સામે આવ્યું છે કે ઈન્ટરનેટ દ્વારા ડેટિંગ પાર્ટનર શોધવાનું ૪૦ ટકા વધ્યું છે. જયારે મેટ્રોમોનિયલ સાઈટ્સ દ્વારા ઈન્ટરનેટ પર લગ્ન માટે સંબંધ શોધવાનું માત્ર ૧૩ ટકા વધ્યું છે.

જોકે હજુ પણ ડિજિટલ દુનિયામાં ડેટિંગ પાર્ટનર શોધવાની તુલનામાં લગ્ન માટે સંબંધ ત્રણ ગણા લોકો શોધી રહ્યા છે. પરંતુ જે ગતિથી ભારતીય યુઝર્સમાં ડેટિંગનો ક્રેઝ વધી રહ્યો છે, તેને જોઈને લાગે છે કે કેટલાક વર્ષોમાં આ ટ્રેન્ડ 'લાઈફ પાર્ટનર' શોધવાના ટ્રેન્ડને પાછળ પાડી દેશે. ગૂગલનું આ નિરિક્ષણ મેટ્રોમોનિયલ સાઈટ ભારત મૈટ્રિમનીની ફેબ્રુઆરીમાં કરાયેલી રિસર્ચનું સમર્થન કરે છે, જેમાં કહેવાયું હતું કે એક સામાન્ય ભારતીય ધીમે-ધીમે ભાવુક થતો જાય છે. આ સર્વેમાં શામેલ ૬ હજાર ભારતીયોમાંથી ૯૨ ટકાએ કહ્યું કે તેઓ પ્રેમની શોધમાં છે.

આ સર્વેમાં એવી પણ વાત સામે આવી કે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે ૨૪ ટકા ભારતીયો શબ્દોનો ઉપયોગ કરે છે, ૨૧ ટકા ભારતીયો રોમાન્ટિક ડીનર, ૩૪ ટકા ભારતીયો ગિફટ્સ આપીને, જયારે ૧૫ ટકા ભારતીયો રોમાન્ટિક હોલિડેનું પ્લાનિંગ કરીને પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યકત કરે છે. એક વધુ હેરાન કરવાની વાત એ હતી કે માત્ર કપલ્સ જ વેલેન્ટાઈન્સ ડે નથી સેલિબ્રેટ કરતા પરંતુ સર્વેમાં શામેલ ૮૬ ટકા લોકોનું કહેવું હતું કે તેઓ લગ્ન બાદ પણ વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરવા ઈચ્છે છે.

માત્ર પ્રેમ જ નહીં, ભારતીયોને બહારનું ફૂડ ખાવાનું ખૂબ પસંદ છે અને આ વાત તેનાથી સાબિત થાય છે કે ૨૦૧૮માં ફૂડ રિલેટેડ સર્ચ કવેરીમાં બે ગણાથી પણ વધારો થયો. સ્ટડીમાં જાણવા મળ્યું કે સ્વિગી, જોમાટો અને અન્ય ફૂડ ડિલિવરી બ્રાન્ડ્સ મજબૂતીથી આગળ વધી રહી છે. ઓનલાઈન ફૂડમાં સૌથી વધારે સર્ચ કરનારી આઈટમોમાં પિઝા હજુ પણ પ્રથમ ક્રમે છે.

(2:47 pm IST)