Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મુંબાદેવી મંદિરે રોબર્ટ વાડ્રાનું 'મોદી- મોદી' 'મોદી ઝિંદાબાદ'ના ઘોષથી સ્વાગત

મુંબઇ, તા.૧૧: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને ભ્રષ્ટાચાર સહિત અનેક આરોપોનો સામનો કરતા રોબર્ટ વાડ્રા ગઇ કાલે દક્ષિણ મુંબઇના મુંબાદેવી મંદિરમાં દર્શન માટે ગયા ત્યારે 'મોદી મોદી'નો શોરબકોર તેમ જ 'મોદી ઝિંદાબાદ' અને 'ભારત માતા કી જય' ના સૂત્રોચ્ચાર દ્વારા જનતાએ એમનું સ્વાગત કર્યુ હતું. સુત્રોચ્ચારનો અવાજ બુલંદ થતો ગયો ત્યારે પોલીસે હસ્તક્ષેપ કરીને રોબર્ટ વાડ્રાને ટોળાના ઘેરાવમાંથી સલામત રીતે બહાર કાઢયા હતા.

પોલીસે બહાર કાઢયા પછી રોબર્ટ વાડ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે 'હું અહીં મુંબાદેવીનાં દર્શન માટે આવ્યો છું અને મને મંદિરમાં કોઇ રાજકારણ જોઇતું નથી. મને પરિવાર સાથે અહીં આવવાનો આનંદ થયો છે સારી રીતે દર્શન કર્યા. મંદિરમાં રાજકીય પ્રવૃતિઓ કરવી ન જોઇએ.'

રાજીવ ગાંધીએ નૌકાદળના વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટનો ઉપયોગ અંગત મોજ-રજાઓ માણવા માટે કર્યો હોવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આરોપોના સંદર્ભમાં રોબર્ટ વાડ્રાએ સોશ્યલ નેટવર્કિગ સાઇટ ફેસબુક પર એમની પોસ્ટમાં લખ્યું હતું કે 'રાજકારણ અત્યંત નીચા સ્તરે ઊતરી રહ્યું છે.'

(11:34 am IST)