Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

કાલે ૭ રાજયોની પ૯ બેઠકો માટે મતદાન

પાંચ તબક્કાની ચૂંટણીમાં પ૪૩માંથી ૪ર૪ બેઠકોનું મતદાન થઇ ચુકયું છે : ૬૦ બેઠકો માટે ૧૯મીએ મતદાન : કાલે અખિલેશ યાદવ, મેનકા ગાંધી, દિગ્વીજયસિંહ, શીલા દિક્ષિત, નરેન્દ્રસિંહ તોમર, ગૌતમ ગંભીર વગેરે

નવી દિલ્હી, તા. ૧૧ :. લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાની સાત રાજ્યોની ૫૯ બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. બિહારની ૮, હરીયાણાની ૧૦, ઝારખંડની ૪, મધ્યપ્રદેશની ૮, યુપીની ૧૪, પશ્ચિમ બંગાળ ની ૮, દિલ્હી ૭, ચંદીગઢ ૧, પંજાબ ૧૩, હિમાચલ ૪ બેઠકો માટે મતદાન થવાનુ છે. આવતીકાલે જે દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં કેદ થશે તેમા અખિલેષ યાદવ, મેનકા ગાંધી, નરેન્દ્રસિંહ તોમર, દિગ્વીજયસિંહ, જ્યોતિરાદિત્ય સિંધીયા, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ગૌતમ ગંભીર, શિલા દિક્ષીત વગેરેનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી ૫ તબક્કાની ચૂંટણીમાં લોકસભાની કુલ ૫૪૩માંથી ૪૨૪ બેઠકોનું મતદાન થઈ ગયુ છે. ૭મા અને અંતિમ તબક્કામાં ૧૯મીએ બાકીની બચેલી ૬૦ બેઠકો ઉપર મતદાન થશે. ૨૩મીએ મત ગણતરી થશે. આવતીકાલે બિહાર અને ઝારખંડને બાદ કરતા સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે.

મતદાનના પ્રથમ ચાર તબક્કામાં અનુક્રમે ૬૯.૫૦, ૬૯.૪૪, ૬૮.૪૦ અને ૬૫.૫૧ ટકા મતદાન થયુ હતું. આવતીકાલે મતદાન માટેની તમામ તૈયારીઓ પુરી થઈ ગઈ છે. આવતીકાલે ૧૦ કરોડ ૧૬ લાખથી વધુ મતદારો ૯૭૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. મતદાન ન્યાયી રીતે થાય તે માટે ૧.૧૩ લાખ મતદાન કેન્દ્રો બનાવાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.(૨-૭)

(2:45 pm IST)