Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

રાફેલ ડિલ ટાઈમલાઇન....

૨૮મી ઓગસ્ટ ૨૦૦૭ના દિવસે પ્રક્રિયા શરૂ થઇ

નવીદિલ્હી, તા. ૧૦ : પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિંહા, અરૂણ શૌરી અને સામાજિક કાર્યક્રમ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ તમામ ત્રણેય દ્વારા રાફેલ ફાઈટર જેટ સોદાબાજી કેસમાં ક્રિમિનલ તપાસ કરવા માટેની માંગ કરતી તેમની અરજીને ફગાવી દેવાના તેના અગાઉના ચુકાદાને અસ્વીકાર કરવા રજુઆત કરી હતી.રાફેલ ડિલ ટાઈમલાઈન નીચે મુજબ છે.

*   ૨૮મી ઓગસ્ટ ૨૦૦૭ના દિવસે સંરક્ષણ મંત્રાલય દ્વારા ૧૨૬ એમએમઆરસીએ વિમાનોની પ્રાપ્તિ માટે દરખાસ્ત માટે વિનંતી કરી

*   ચોથી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ગ્રુપે રિલાયન્સ એરોસ્પેશ ટેકનોલોજી લિમિટેડ સાથે આગેકૂચ કરી

*   મે ૨૦૧૧માં એરફોર્સે રાફેલ અને યુરો ફાઇટર જેટ માટે ટુંકી યાદી તૈયાર કરી

*   ૩૦મી જાન્યુઆરી ૨૦૧૨ના દિવસે દસો એવિએશનના રાફેલ વિમાનોનો મામલો સૌથી ઓછા બિડ માટે આગળ આવ્યો

*   ૧૩મી માર્ચ ૨૦૧૪ના દિવસે એચએએલ અને દસો એવિએશન વચ્ચે વર્કશેયર એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા જે હેઠળ ૧૦૮ વિમાનો માટે ક્રમશઃ ૭૦ ટકા અને ૩૦ ટકા કામની જવાબદારી લેવામાં આવી

*   ૮મી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે તત્કાલિન સંરક્ષણમંત્રી અરુણ જેટલીએ સંસદમાં કહ્યું કે, ૧૮ તૈયાર વિમાનો કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદથી ત્રણ ચાર વર્ષમાં મળી જશે. બાકીના ૧૦૮ વિમાનો આગામી સાત વર્ષમાં મળશે

*   ૮મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે તત્કાલિન ફોરેન સેક્રેટરીએ કહ્યું હતું કે, દસો, એમઓડી અને એચએએલ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઇ ચુકી છે

*   ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે ૩૬ વિમાનો મેળવવા માટે નવી સમજૂતિની જાહેરાત કરાઈ

*   ૨૬મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ભારત અને ફ્રાંસે ૩૬ રાફેલ વિમાનો માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

*   ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે આંતર સરકારી સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા

*   ૧૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે સરકારે સંસદમાં કહ્યું હતું કે, દરેક રાફેલ વિમાનની કિંમત અંદાજિત ૬૭૦ કરોડ રૂપિયા રહેશે અને તમામ વિમાન એપ્રિલ ૨૦૨૨ સુધી મળી જશે

*   ૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે દસો એવિએશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ૩૬ વિમાનો માટે ચુકવવામાં આવેલી વાસ્તવિક કિંમત સંસદમાં સરકાર દ્વારા જણાવવામાં આવેલી કિંમત કરતા અનેકગણી છે અને આ ૩૬ વિમાનો ૬૦૦૦૦ કરોડમાં પડશે

*   ૧૩મી માર્ચ ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી અને ફ્રાંસ પાસેથી ૩૬ વિમાનો મેળવવાના કેન્દ્રના નિર્ણયમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી અને સંસદ સમક્ષ સમજૂતિની વિગતો રજૂ કરવા કહેવામાં આવ્યું

*   ૫મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે રાફેલ ફાઇટર જેટ સોદાબાજી પર સ્ટે મુકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઇ

*   ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ અંગે સ્ટે મુકવાની માંગ કરતી અરજી પર સુનાવણી ૧૦મી ઓક્ટોબર સુધી મોકૂફ કરી

*   ૮મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટ ૧૦મીએ નવેસરની અરજી પર સુનાવણી કરવા માટે તૈયારી દર્શાવી અને કેન્દ્રને સીલકવરમાં વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી

*   ૧૦મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે રાપેલ સોદાબાજીમાં પ્રગતિ અંગે નિર્ણયની વિગતોની માંગ કરી

*   ૨૪મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહા અને અરુણ શૌરીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને રાફેલ સોદાબાજીમાં એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી

*   ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે કેન્દ્ર સરકારને ૧૦ દિવસમાં સીલકવરમાં કિંમત અંગે માહિતી આપવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો

*   ૧૨મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે કેન્દ્ર સરકારે સુપ્રીમ સમક્ષ સીલકવરમાં ફાઇટર જેટની કિંમતો અંગે માહિતી રજૂ કરી. સાથે સાથે રાફેલ સોદાબાજી કરવાને લઇને વિગતો પણ આપી

*   ૧૪મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં સુપ્રીમના દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો

*   ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મોદી સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઇ પણ શંકા અને અનિયમિતતા નથી. અનિયમિતતામાં એફઆઈઆર દાખલ કરવા સીબીઆઈને આદેશ આપવાની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી

*   બીજી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પૂર્વ કેન્દ્રિય પ્રધાનો દ્વારા સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી હતી.

*   ૧૦મી મે ૨૦૧૯ના દિવસે ફેરવિચારણા અરજીઓ પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને ચુકાદો આખરે અનામત રાખવામાં આવ્યો. અરજીદારોએ સુપ્રિમ કોર્ટમાં રાફેલ ડીલ કેસમાં ક્રિમિનલ તપાસ માટેની માંગ કરતી અરજીઓને ફગાવી દેવાના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરી.

(12:00 am IST)