Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઈન્ડિગો અને એર ડેક્કનના વિમાન વચ્ચે આકાશમાં મોટો અકસ્માત થતા રહી ગયો :તપાસના આદેશ

મુંબઈ: ઢાકાના હવાઈક્ષેત્રમાં ઈન્ડિગો અને એર ડેક્કનના વિમાન એકબીજા સાથે ટકરાતાં રહી ગયા હતા બંને વિમાનોના પાઈલટને એક સ્વચાલિત ચેતવણી પ્રણાલીથી વિમાનો એકબીજાની સામે હોવાની માહિતી મળી. બંને વિમાન ખતરનાક રીતે એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે જેટલું અંતર રાખવાનો નિયમ છે, તેનું ઉલ્લંઘન હતું. ઘટના બે મે બની હતી જ્યારે બાંગ્લાદેશના હવાઈક્ષેત્રમાં ઈન્ડિગોનું કોલકાતાથી અગરતલા જઈ રહેલું વિમાન 6-892 અને એર ડેક્કનનું અગરતલાથી કોલકાતા જઈ રહેલું વિમાન ડીએન 602 હવામાં એકબીજાની નજીક આવી ગયા. બંને વિમાન એકબીજાથી માત્ર 700 મીટર દૂર રહી ગયા હતા. ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે.

     સૂત્રો મુજબ, ડેક્કનનું વિમાન અગરતલા તરફથી ઉતરી રહ્યું હતું અને 9,000 ફૂટની ઉંચાઈ પર હતું, જ્યારે ઈન્ડિગોનું વિમાન ટેકઓફ કરી રહ્યું હતું અને 8,300 ફૂટની ઉંચાઈ પર હતું. ત્યારે વિમાનમાં લાગેલા ટીસીએએસએ બંને પાઈલટોને ચેતવણી આપી કે તે વિમાનને સુરક્ષિત અંતરે લઈ જાય. હકીકતમાં ટીસીએએસ વિમાનમાં લાગેલું એક એવું ઉપકરણ છે, જે પાઈલટોને વિમાનની પહોંચના વર્તુળમાં એર ટ્રાફિકની જાણકારી આપે છે, સાથે તેમને સૂચિત કરે છે જેથી સાવધાની રાખી શકે.

     ઈન્ડિગોના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને ઘટનાની તપાસ કરી રહી છે. ડેક્કન સાથે સંપર્ક કરવા પર અધિકારીએ કહ્યું કે, એરપ્રોક્સની ઘટના છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. એરપ્રોક્સ એવી સ્થિતિથી હોય છે, જ્યારે બે વિમાન એક નિશ્વિત કરાયેલા અંતરનું ઉલ્લંઘન કરી વધુ નજીક આવી જાય છે.

   અત્રે ઉલ્લેખનયી છે કે, 1996માં ચરખી દાદરી ગામની પાસે સાઉદી અરબ એરલાઈન્સ અને કઝાકિસ્તાન એરલાઈન્સના વિમાન એકબીજા સાથે અથડાઈ ગયા હતાં. ઘટનામાં બંને વિમાનમાં સવાર 349 મુસાફરોના મોત થઈ ગયા હતા, જે દુનિયામાં સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાંથી એક હતો. ઘટના હજુ પણ લોકો ભૂલી શક્યા નથી

(12:53 am IST)