Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બ્લેકમની એક્ટ હેઠળ ચિદમ્બરમ સામે આખરે ચાર્જશીટ દાખલ થઇ

પૂર્વ નાણામંત્રી ઉપરાંત પરિવારના સભ્યો પણ સકંજામાં આવ્યા : વિદેશમાં રહેલી તમામ સંપત્તિના સંદર્ભમાં માહિતી જાહેર નહીં કરવા બદલ ચિદમ્બરમ ઉપરાંત તેમના પત્નિ નલિની, પુત્ર કાર્તિ સામે ચાર્જશીટ દાખલ

ચેન્નાઈ, તા. ૧૧ : ઇન્કમટેક્સ વિભાગે બ્લેકમની એક્ટ હેઠળ પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમ, તેમના પત્નિ નલીની, પુત્ર કાર્તિ અને ડોટર ઇનલો શ્રીનિધી સામે ચાર ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તેમની વિદેશી સંપત્તિ જાહેર નહીં કરવા બદલ બ્લેકમની એક્ટ હેઠળ તેમની સામે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ દાખલ કરવામાં આવતાની સાથે જ પૂર્વ નાણામંત્રીની તકલીફ વધારો થયો છે. પ્રોસીક્યુશન ફરિયાદ અથવા તો ચાર્જશીટ બ્લેકમનીની કલમ ૫૦ અને ટેસ્ટ એક્ટ ૨૦૧૫ની જોગવાઈ હેઠળ ચેન્નાઈમાં ખાસ અદાલત સમક્ષ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવી છે. નલિની ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ અને શ્રીનિધી ૭ઉપર તેમની સંપત્તિને સંપૂર્ણપણે અથવા તો આંશિકરીતે જાહેર નહીં કરવા બદલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બ્રિટનના કેમ્બ્રિજ ખાતે પણ તેમની એક સંપત્તિ છે જેની કિંમત ૫.૩૭ કરોડની આસપાસની છે. આ ઉપરાંત બ્રિટનમાં જ ૮૦ લાખની અન્ય એક સંપત્તિ પણ છે. ઉપરાંત અમેરિકામાં ૩.૨૮ કરોડની સંપત્તિ રહેલી છે. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચિદમ્બરમને ટેક્સ સત્તાવાળાઓ સમક્ષ આ મૂડીરોકાણના સંદર્ભમાં કોઇ જાહેરાત કરી નથી. આ ઉપરાંત કાર્તિ દ્વારા સહમાલિકીની કંપની ચેસ ગ્લોબલ એડવાઈઝરી દ્વારા પણ સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી નથી. બ્લેકમની કાયદા હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બ્લેકમની કાયદાના ભંગનો તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્લેકમનીની સામે ઝુંબેશને વધુ તીવ્ર બનાવવા તથા વિદેશમાં સંપત્તિ ગેરકાયદેરીતે જમા કરી ચુકેલા લોકો સામે કાર્યવાહીના ભાગરુપે વર્ષ ૨૦૧૫માં મોદી સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો હતો. વિભાગે હાલમાં જ કાર્તિ અને તેમના પરિવારના સભ્યોને આ કેસના સંદર્ભમાં નોટિસ જારી કરી હતી. આ કેસને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. કાર્તિએ તપાસમાં સામેલ થવાનો ઇન્કાર કરીને કહ્યું હતું કે, તેઓએ પહેલાથી જ સંપત્તિની વિગતો આપી દીધી છે. સાથે સાથે ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા કારોબારના સંદર્ભમાં પણ અન્ય ટેક્સ સત્તાવાળાઓ સમક્ષ માહિતી આપી દીધી છે. સમાંતર કાર્યવાહી એક વ્યક્તિગતની સામે એક જ કાયદા હેઠળ ચાલી શકે નહીં. જો કે, આ લેખિત અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કારણ કે, આ કેસની તપાસ તાર્કિક તારણ ઉપર પહોંચી ચુકી છે જેથી કોર્ટ સમક્ષ આ તમામ માહિતીને જમા કરવામાં આવનાર છે. ઇન્કમટેક્સ વિભાગે ગયા વર્ષે કાર્તિ સામે બ્લેકમની એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી અને એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા વિદેશમાં ઉભી કરવામાં આવેલી સંપત્તિમાં કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. એનટી બ્લેકમની કાયદામાં વિદેશમાં ગેરકાયદે સંપત્તિ ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ રહેલી છે. આ તપાસ હજુ સુધી ઇન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ હેઠળ કરવામાં આવતી હતી. નવા કાયદામાં કઠોર જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ૧૨૦ ટકા ટેક્સ અને બિનહિસાબી વિદેશી સંપત્તિ અને આવક ઉપર દંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ કરાઈ છે.

(7:55 pm IST)