Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બડગામ : પોલીસ ચોકી પર કરાયેલો આતંકવાદી હુમલો

ત્રાસવાદી હુમલામાં એક પોલીસ જવાન શહીદ : હથિયારોથી સજ્જ પાંચથી છ ત્રાસવાદીઓ દ્વારા ચોકીથી હથિયારો લૂંટી લેવાના ઇરાદાથી હુમલો કરવામાં આવ્યો

શ્રીનગર,તા. ૧૧ : જમ્મુ કાશ્મીરના બડગામમાં ત્રાસવાદીઓએ એક પોલીસ ચોકી ઉપર હુમલો કરી દેતા એક પોલીસ જવાન શહીદ થયો હતો. ત્રાસવાદીઓ સામે હાલમાં ઓપરેશન ઓલઆઉટ જોરદારરીતે ચલાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ સામે જોરદાર જંગ છેડાયેલી છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ પણ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પોલીસ ચોકી ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓના પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. જો કે, અથડામણમાં એક પોલીસ જવાન શહીદ થયા હતા. મધ્ય કાશ્મીરના બડગામ સ્થિત વાડવાનમાં પોલીસ ચોકી ઉપર પાંચથી છ ત્રાસવાદીઓ સામે હુમલો કરવામાં આવ્યો હતો. ચોકીમાં રહેલા પોલીસ જવાનોએ ત્રાસવાદીઓના હુમલાનો જોરદાર જવાબ આપ્યો હતો. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ પરિસ્થિતિનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા. આ અથડામણમાં એક પોલીસ જવાનને ઇજા થઇ હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબો આ પોલીસ જવાનને બચાવવામાં સફળ રહ્યા ન હતા. શહીદ થયેલા પોલીસ જવાનનું નામ સમીન અહેમદ તરીકે આપવામાં આવ્યું છે. તે યારીપોરા કુલગામનો નિવાસી હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ત્રાસવાદીઓએ પોલીસના હથિયાર લૂંટી લેવાના ઇરાદાથી આ હુમલો પોલીસ ચોકી ઉપર કર્યો હતો. જો કે, પોલીસે હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. હથિયારો કબજે કરવામાં ત્રાસવાદીઓ નિષ્ફળ રહ્યા હતા. પોલીસે તમામ હથિયારોને સુરક્ષિતરીતે બચાવી લીધા હતા. ફરાર થઇ ગયેલા ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે તીવ્ર ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે સુરક્ષા દળોની સાથે મળીને હાલમાં ઓપરેશન ઓલઆઉટના ભાગરુપે મોટી સફળતા હાંસલ કરી છે. હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.

(7:53 pm IST)