Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અરવિંદ કેજરીવાલના ભત્રીજાની પીડબલ્યુડી કૌભાંડમાં ધરપકડઃ 'આપ' ને મોદી સરકાર કચડી નાખવા માંગે છે!!

કેજરીવાલ, મનીષ સીસોદીયા, સત્યેન્દ્ર જૈન સહિત અનેક અગ્રણીઓને નિશાન બનાવ્યા બાદ પણ કોઇ પુરાવા મળ્યા નથીઃ કેન્દ્ર સરકારનો હાથો બનતી સરકારી એજન્સીઓને પણ આ બદલ કોર્ટ ફટકાર આપી રહી છે

નવી દિલ્હી, તા., ૧૧: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભત્રીજા વિનય બંસલની ધરપકડ એ 'આપ'ને કચડી નાખવાની સાજીસમાં પ્રથમ કિસ્સો નથી. 'આપ' સાથે જોડાયેલા અનેક કાર્યકરો અને અગ્રણીઓને અવાર-નવાર ઝપટે લઇ લેવામાં આવ્યા છે. કેન્દ્રમાં ચાલી રહેલી 'બે લોકોની સરકાર'  દિલ્હીમાં કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારથી બદલો લઇ રહી છે. ર૦૧પમાં કેન્દ્ર સરકારને રાજધાનીમાં જ ખમવી પડેલી હારના કારણે તેમને ઘણું ભોગવવું પડે છે.

પીડબલ્યુડી કેસ

૧પ-ર૦ વર્ષથી વિનય બંસલના સ્વર્ગીય પિતા સુરેશ બંસલ પીડબલ્યુડીના કોન્ટ્રાકટર હતા. દિલ્હીમાં આપનું રાજ આવ્યા બાદ તેમણે કોન્ટ્રાકટનું કામ શરૂ કર્યુ ન હતું. (દિલ્હીમાં ફેબ્રુઆરી ર૦૧પમાં આપની સરકાર રચાયેલી)

આપની સરકાર દિલ્હીમાં આવી પહેલા કોન્ટ્રાકટર બંસલને તેમના કાર્ય માટે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પણ સન્માનવામાં આવ્યા હતા. આ સન્માન તેમના બાંધકામની ગુણવતા માટેનું હતું. ગટરના બાંધકામનું કામ ત્રીજી પાર્ટીના સર્ટીફીકેશન સાથે પુરૂ થયું હતું જેનું આઇઆઇટી રૂરકીએ નિરિક્ષણ કર્યુ હતું. પીડબલ્યુડીએ વર્ક કમ્પલીશનનું કંપનીને સર્ટીફીકેટ આપ્યું હતું. પાછળથી ર૦૧૭માં રાજકીય ઇશારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા બંસલની પેઢી સામે આ ફરીયાદ નોંધાઇ હતી. કામમાં કોઇ કચાશ ન હોવા છતા આ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે ગટરનો લોકો ઉપયોગ કરતા થયા હતા તે પણ કામથી સંતુષ્ટ હોવાના માધ્યમમાં સમાચારો પણ પ્રદર્શીત થયા હતા. તો પછી બંસલને શા માટે એસીબીએ ફસાવ્યા?

એસીબી...હાથ લાગ્યું હથિયાર

દિલ્હીની વિજીલન્સ વિભાગની નીચે દિલ્હી એન્ટીકરપ્શન બ્રાન્ચ કામ કરે છે. આપ સત્તામાં આવ્યા પછી થોડા મહિના તેમના નેજા તળે આ એજન્સીઓ કાર્યરત હતી. પરંતુ કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા થોડા સમય બાદ જાહેરનામું બહાર પાડી એસીબી અને અન્ય બ્રાન્ચનો કબ્જો કેન્દ્રએ મેળવી લીધો હતો.

નવી કહાની ચોખ્ખીચટ હતી... એસીબીએ અરવિંદ કેજરીવાલની સરકાર સામે હથીયાર બનવાનું હતું. એસીબીના એક પુર્વ મુખ્ય અધિકારીએ કેન્દ્ર સરકારની આપ વિરોધી સાજીસ અંગે ખુલ્લેઆમ અખબારો અને માધ્યમોમાં બોલ્યું છે. પરંતુ ૪૦ મહિના પછી પણ એસીબી મારફત આપની સામે સાચી-ખોટી ફરીયાદો ઉભી કરવામાં આવી રહી છે. જો કે ફરીયાદ મુજબના કોઇ પુરાવા આ એજન્સી મેળવી શકી નથી.

દરોડા-ધરપકડો હવે 'આપ' માટે નવીન નથી

આ કેસ અરવિંદ કેજરીવાલ સરકારને રાજકીય રીતે હેરાન કરવાનો ચોખ્ખોચટ કેસ છે. 'બે લોકોની સરકાર' મથામણ બાદ પણ અરવિંદ કેજરીવાલ સામે કોઇ પુરાવા શોધી શકી નથી. એટલે તેમણે તેમના ધારાસભ્યો અને કેજરીવાલના પરિવારજનોને નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે. મોદી સરકારે અરવિંદ કેજરીવાલ સામે દરોડા અને તપાસની કાર્યવાહી બધી એજન્સીઓ દ્વારા કરાવી લીધી છે. મનીષ સીસોદીયાના ઘર-ઓફીસ ઉપર સીબીઆઇ રેડ કરી ચુકી છે. સત્યેન્દ્ર જૈનને એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ આઇટી દ્વારા દબાવવાની કોશીષ થઇ છે. પરંતુ અંતે કાંઇ જ મળ્યું નથી. મોટાભાગના કેસોમાં એજન્સીને કોર્ટની ફટકાર સાંભળવી પડી છે. કોર્ટે સ્પષ્ટ કહયું છે કે કોઇ પણ સરકારી એજન્સીઓને લોકશાહીમાં હાથો બનાવવું અયોગ્ય છે. એજન્સીઓના અધિકારીઓએ પણ સમજી લેવું જોઇએ કે 'આપ'ની લીડરશીપને ૪૦ મહિનાની લગાતાર કોશીષ છતાં તોડી પાડવી અસંભવ છે. 'આપ' માત્ર રાજકીય પાર્ટી નથી પરંતુ એક મિશન છે. જયારે જયારે તેમને તોડી પાડવાના પ્રયાસો થયા છે ત્યારે વધુ સબળ બનીને ઉભરી છે. તેવું https://dailyo.in/lite/voices લીન્કના અહેવાલમાં જણાવાયું છે.

(4:22 pm IST)