Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

કોરોનાની ચેઇન તોડવા માટે ઓડિશા સરકારે છત્તીસગઢ સાથે સંકળાયેલ સરહદને સીલ કરી

રાજયમાં પ્રવેશ માટે લોકો કોવિડ ટેસ્‍ટનો રીપોર્ટ બતાવે તો જ પ્રવેશ અપાશે

ઓડિશા: ઓડિશામાં કોવિડ -19નાં કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન ઓડિશા સરકારે શનિવારે છત્તીસગઢ સાથેની સીમા સીલ કરી દીધી હતી અને આંતર-રાજ્કીય સરહદે પેટ્રોલિંગ વધાર્યું હતું. વરિષ્ઠ અધિકારીઓના મતે છેલ્લા કેટલાક દિવસોમાં છત્તીસગઢની સરહદે આવેલા જિલ્લાઓમાં કોરોના ચેપના કેસોમાં વધારો થયો છે. આ પછી, આદેશો જારી કરવામાં આવ્યા છે કે પડોશી રાજ્યથી આવતા લોકોને રાજ્યમાં પ્રવેશ માટે પોતાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

મુખ્ય સચિવ એસ.સી.મહાપાત્રાએ તાજેતરમાં કાલાહાંડી અને નુઆપાડા પશ્ચિમના જિલ્લાઓની મુલાકાત લીધી હતી. મહાપત્રાએ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે કોરોના જાગૃતિ અભિયાનને વધુ તીવ્ર બનાવવું અને જે લોકો હેલ્થ પ્રોટોકોલનું પાલન નથી કરતા તેમની સામે કડક કાર્યવાહી કરે. નુઆપાડામાં એક સમીક્ષા બેઠકમાં, મહાપત્રાએ જણાવ્યું હતું કે , બે-ત્રણ દિવસ જાગૃતિ અભિયાન ચલાવ્યા પછી, કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંન કરનારાઓ સામે પગલાં લેવા જોઈએ. કોરોના ચેપ ટાળવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.મળતી માહિતી અનુસાર છત્તીસગઢની સરહદ નુઆપાડા જિલ્લામાં કોવિડ -19ની સ્થિતિને "ક્રિટિકલ" કેટેગરીમાં રાખવામાં આવી છે, કારણ કે છેલ્લા ચાર દિવસમાં ચેપના કેસમાં પાંચ ગણો વધારો થયો છે.

રાજ્યમાં લગભગ 2 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. ઉડિશાના સ્થળાંતર કામદારો દેશભરમાં કોવિડની હાલત સુધાર્યા પછી પોતાના કામ પર પાછા ગયા હતા, હવે તેઓ પાછા આવી રહ્યા છે. રાજ્યના શ્રમ પ્રધાન સુશાંતસિંહે કહ્યું કે પરત ફરતા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે ઓડિશામાં 1,374 લોકોને ચેપ લાગ્યો છે અને ચેપના કુલ કેસ વધીને 3,48,182 થયા છે. રાજ્યમાં કોરોનાથી 1,926 લોકોનાં મોત થયાં છે.

(12:34 pm IST)