Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

દેશભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક હવે એકસરખા

આગામી સમયમાં નવા વાહનોનાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન બુક નવા રંગ અને આકાર-ડિઝાઇનનાં જોવા મળશે

નવી દિલ્હી તા. ૧૧ : પહેલી ઓકટોબરથી હવે વાહન રજિસ્ટ્રેશન બુક અને લાઇસન્સ એકસરખાં રહેશે એટલું જ નહીં, પરંતુ કાર્ડ કે આધારકાર્ડની જેમ દેશભરમાં આરસી બુક અને લાઇસન્સ એકસરખાં રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ઘ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારને પણ આ બાબતના અમલ અંગેની સૂચના આપી દેવામાં આવી છે.

દેશભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુકમાં એકરૂપતા લાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક રાજયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુક જુદા જુદા આકાર-રંગ અને ડિઝાઇન ધરાવે છે. નવી વ્યવસ્થા કેન્દ્ર સરકારના આદેશ મુજબ પહેલી ઓકટોબરથી લાગુ કરવામાં આવશે. નવી વ્યવસ્થા પ્રમાણે દરેક રાજયમાં એક જ સરખાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુક બનશે. તેથી આગામી સમયમાં નવાં વાહનોનાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન બુક નવા રંગ અને આકાર-ડિઝાઇનનાં જોવાં મળશે.નવી આરસી બુકમાં વાહનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઇની વિગતો દર્શાવેલી હશે. માલિકનું નામ-સરનામું, નંબર અને ચેસીસ નંબર દર્શાવેલા હશે. પાછળની બાજુમાં ઇમર્જન્સી મોબાઈલ નંબર પણ દર્શાવેલો હશે. જયારે લાઈસન્સમાં આગળની બાજુ ફોટાની જગ્યા, બાજુમાં નામ-સરનામું, જન્મ તારીખ અને બ્લડ ગ્રૂપ લખેલું હશે, ઓર્ગન ડોનર છે કે કેમ તે દર્શાવેલું હશેે કાર્ડની પાછળ કયૂઆર કોડ દર્શાવશે, જે સ્કેન કરતાં જ લાઇસન્સધારકની તમામ માહિતી મળી જશે, પહેલી વખત લાઇસન્સ કયારે ઈશ્યૂ થયું તેની વિગતો પણ હશે. લાઇસન્સની સમયમર્યાદા અને અન્ય વિગતો લખેલી હશે તેમજ ઇમર્જન્સી મોબાઈલ નંબર લખેલો હશે.

(3:50 pm IST)