Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાયબરેલીમાં સોનીયા ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્રક

ભવ્ય રોડ શો યોજ્યો : ગાંધી પરિવારે રોડ શો પહેલા હવન કર્યો

રાયબરેલી તા. ૧૧ : રાયબરેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનીયા ગાંધીએ રોડ શો યોજીને કલેકટર ઓફિસ પહોંચીને તે પાંચમીવાર આ સીટ પરથી ઉમેદવારપત્રક ભર્યું. તેમની સાથે પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી તેમજ તેની પુત્રી પ્રિયંકા ગાંધી પણ હાજર છે. રોડ શો પહેલા સોનિયાએ કોંગ્રેસ કાર્યાલય પર હોમ-હવન કર્યા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા.

કોંગ્રેસ કાર્યાલયમાં સોનિયા તેમજ રાહુલ ઉપરાંત રોબર્ટ વાડ્રા, પૂર્વ યુપીની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમજ તેના બાળકો હાજર રહ્યા. સોનિયા ગાંધીના ઉમેદવારી પત્રક અંગે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી.

લોકસભા ચૂંટણીમાં આમ તો દરેક બેઠક મહત્વની હોય છે પરંતુ કેટલીક એવી વીઆઈપી બેઠક હોય છે જેના પર સમગ્ર દેશવાસીઓની નજર મંડાયેલી હોય છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે રાયબરેલી લોકસભા બેઠક માટેઙ્ગ ઉમેદવારી પત્ર ભર્યું. આ બેઠકને કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. ગાંધી પરિવારના સભ્યો આ બેઠક પરથી હંમેશા જીતતા આવ્યા છે. સોનિયા ગાંધી વર્ષ ૨૦૦૪, ૨૦૦૬ (પેટા ચૂંટણી), ૨૦૦૯ અને ૨૦૧૪માં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ૧૯૫૭ બાદ કોંગ્રેસે આ બેઠક પર પેટા ચૂંટણીઓ સહિત ૧૯ વખત વિજય મેળવ્યો છે.

પક્ષના પ્રવકતા એલકેપી સિંહે બુધવારે જણાવ્યું કે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે તેમના પરિવારના સભ્યો ઉમેદવાર નોંધણી મથક સુધી જશે. સોનિયા અને તેમના પરિવારના સભ્યો સવારથી જ કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલયમાં હવન કર્યો અને ત્યારબાદ ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવતા પહેલા સોનિયા ગાંધી લગભગ ૭૦૦ મીટરનો રોડ શો કર્યો.

(3:40 pm IST)