Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

હવામાન ખાતાની ચિંતા ટળી ગઇ

આનંદો... અલ નિનો નહિ ત્રાટકે : વરસાદ પડશે દે ધનાધન

ચોમાસુ ટનાટન રહેશે : હવામાન ખાતાની આગાહી

નવી દિલ્હી તા. ૧૧ : અલ નિનો અંગે હવામાન ખાતાને છેલ્લા થોડા સમયથી જે ચિંતા હતી તે ટળી ગઈ છે. દેશના હવામાન ખાતાના અંદાજ મુજબ આ વર્ષે અલ નિનોનો ખતરો ટળતા ચોમાસુ ઘણું સારૂ જાય તેવી શકયતા છે. ઈન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અલ નિનો નબળુ પડી ગયું છે અને તેને કારણે દેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ચોમાસુ નબળુ જવાનો જે ખતરો ટોળાતો હતો તે ઘટી ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં અડધાથી વધુ ખેત ઉત્પાદન ચોમાસાના વરસાદ પર નભે છે.

નામ ન આપવાની શરતે IMDના અધિકારીએ જણાવ્યું, 'અલ નિનોની પરિસ્થિતિ નબળી પડી ગઈ હોવાનું જોવા મળ્યું છે. હવે તે લાંબો સમય નહિ ટકે અને લાગતું નથી કે તેની ચોમાસા પર કોઈ મોટી અસર પડે.' તેમણે જોયું કે પેસિફિક મહાસાગરની હવામાન પર અસર અંગે ખાતુ ચાંપતી નજર રાખી રહ્યું છે. ગયા મહિને યુ.એસની એજન્સીઓએ આગાહી કરી હતી કે અલ નિનોની અસર આખો ઉનાળો રહેવાની શકયતા ૬૦ ટકા જેટલી વધારે છે. આ કારણે ભારતમાં ચોમાસુ નબળુ જવાનો ડર ફેલાઈ ગયો હતો.

અલ નિનો એટલે સમુદ્રની સપાટીનું તાપમાન અજુગતી રીતે વધી જવાની ઘટના. પેસિફિક સમુદ્રની સપાટીનું તાપમાન આખી દુનિયાના હવામાન પર અસર કરે છે. તેમાં જુલાઈથી સપ્ટેમ્બરમાં ભારતમાં પડતા ચોમાસા પર પણ તેની અસર વર્તાય છે. જો ભેજ અને ગરમીનું પ્રમાણ ન જળવાય તો દેશમાં સરખો વરસાદ પડતો નથી.

હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી પંચની મંજૂરી મેળવ્યા બાદ તે સત્તાવાર રીતે ચોમાસાની આગાહી જાહેર કરશે. તેમણે કહ્યું, 'અમને ચોમાસાની આગાહી જાહેર કરવાની મંજૂરી માંગી છે. અમે ઈલેકશન કમિશન અને સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.' અત્યારે આ રિપોર્ટને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે.

(11:35 am IST)