Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પહેલી જુલાઇથી વીમા કંપનીઓએ પોલિસી ધારકોને તેમના કલેઇમની સ્થિતિ જણાવવી પડશે

વાજબી અને પારદર્શક દાવાની પતાવટની કાર્યવાહીને સુનિશ્ચિત કરવા

નવી દિલ્હી તા. ૧૧ :.. IRDAI એ બુધવારે જણાવ્યું હતું કે વીમા કંપનીઓએ  આગામી પહેલી જુલાઇથી વીમાના કલેઇમની પતાવટના વિવિધ તબકકે પોલીસીધારકોને કલેઇમ (દાવા) ની પતાવટની સ્થિતિ વિશે જાણ કરવી પડશે.

એક પરિપત્રમાં જણાવાયું છે કે વીમા કંપનીને પોલીસીધારકોના હિતની સુરક્ષા માટે સ્પષ્ટ અને પાદરર્શક સંદેશ નીતિ અપનાવવાની જરૂર છે.

દાવાઓની વાતનો સવાલ છે ત્યાં સુધી પોલિસીધારકો માટે ટ્રેકિંગ મિકેનિઝમ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે, જેથી તેઓ તેમના દાવાઓની સ્થિતિ જાણી શકે.

વાજબી અને પારદર્શક દાવાની પતાવટની કાર્યવાહીને સુનિશ્ચિત કરવા માટે બધી વીમા કંપનીઓએ દાવા પરની પ્રક્રિયાના વિવિધ તબકકે દાવાની સ્થિતિ વિશે જાણ કરશે. આરોગ્ય વીમાના કિસ્સામાં, જયાં થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ દાવા સંબંધિત સેવાઓ પુરી પાડે છે. એમાં  પણ દાવાઓની સ્થિતિ વિશે જાણ કરવાની જવાબદારી વીમા કંપનીઓની છે, એમ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ  પરિપત્રમાં જણાવ્યું છે.

વીમા પોલીસીની સર્વિસિંગમાં સ્પષ્ટ અને પારદર્શક સંદેશ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એમ તેમાં કહેવાયું છે.

 IRDAI એ જીવન, આરોગ્ય અને સામાન્ય વીમાની કંપનીઓને કહયું છે કે તેમણે પત્ર, ઇ-મેઇલ, એસએમએસ અથવા બીજી કોઇ ઓથોરિટી દ્વારા મંજૂર થયેલા ઇલેકટ્રોનિક સ્વરૂપમાં પોલિસી ઇસ્યુ અને સર્વિસીંગ વિશેના બધા સંદેશ વ્યવહાર પણ મોકલવા.

આરોગ્ય વીમાના કિસ્સામાં, જયાં ટીપીએ આરોગ્ય સેવાઓ આપવા માટે રોકાયેલા છે તેમાં વિમા કંપનીઓએ ખાતરી કરવાની રહેશે કે આઇડી કાર્ડ ઇસ્યુ કરવા જેવા તમામ સંબંધિત સંદેશ ટીપીએ દ્વારા મોકલવામાં આવે અથવા કંપનીઓ પોતે મોકલે, એમ પણ પરિપત્રમાં જણાવાયું છે. કંપનીઓએ જાગરૂકતા વધારવા માટે ગ્રાહકોને સંક્ષિપ્ત સંદેશાઓ મોકલવાની જરૂર છે, એમ  કહેતાં વીમા નિયામક ઉમેર્યું છે કે વીમા કંપનીઓએ વાંચવા-સમજવાનું સરળ હોય એવી ભાષા વાપરવી. જયાં શકય હોય ત્યાં અંગ્રેજી-હિન્દી ઉપરાંત દાવેદારના નિવાસના સ્થળના આધારે પ્રાદેશિક કે સ્થાનીક ભાષામાં સંદેશ મોકલવો, એમ ઓથોરીટીએ જણાવ્યું છે.

(11:35 am IST)