Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચોક્કસ શરતોને આધિન

આયુર્વેદિક સારવાર લેનારને મેડિકલ વીમો મળી શકે

દર્દી સરકારે મંજુર કરેલી આયુ. હોસ્પિટલમાં સારવાર લ્યે તો તેમનો દાવો વીમા કંપની નામંજુર કરી ન શકે

નવી દિલ્હી તા. ૧૧ : ચોક્કસ શરતોના આધારે આયુર્વેદિક સારવાર લેનાર દર્દીઓને મેડિકલ વીમાની રકમ મળી શકે છે. હાલમાં જ કન્ઝયુમર કોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને દાવાની ૨૫ ટકા રકમ વીમો લેનારને ચૂકવવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું, જે દર્દીઓએ નોંધણી થયેલા આયુર્વેદિક તબીબો પાસેથી સરકારે મંજૂર કરેલી આયુર્વેદિક હોસ્પિટલોમાંથી સારવાર લીધી હોય તેમની દાવાની રકમ વીમા કંપનીઓ નામંજૂર ના કરી શકે. અમદાવાદની ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ન્યૂ ઈન્ડિયા અશ્યોરંસ કંપની લિમિટેડને સાબરમતી વિસ્તારમાં રહેતા ગૌરવ મહેતા નામના વ્યકિતને ૨૫૦૦૦ રૂપિયા મેડિકલ ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો.

વીમા કંપનીએ દાવો નામંજૂર કરતાં ગૌરવ મહેતાએ વેઠેલી માનસિક યાતના પેટે ૩૫૦૦ રૂપિયા વધારાના ચૂકવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો. બે અઠવાડિયા અગાઉ કોર્ટે આપેલા ચૂકાદા પ્રમાણે, આ કેસમાં વીમા કંપનીની સર્વિસમાં ખામી અને અયોગ્ય વેપાર વ્યવહાર છતો થાય છે. ગૌરવ મહેતા પાસે ૨૦૦૧થી ૧ લાખ રૂપિયાનો મેડિકલેમ છે. એપ્રિલ ૨૦૧૭માં તેમણે પાલડીના ચરક હેલ્થ સેન્ટરમાં શરદી અને કબજિયાતની સારવાર માટે ગયા હતા. ચરક હેલ્થ સેન્ટરમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ગૌરવ મહેતાએ સારવારના ૩૨,૮૦૦ રૂપિયાના ખર્ચને મેડિકલેમમાંથી ભોગવવા માટે દાવો કર્યો.

આયુર્વેદિક સારવાર માટે પોલીસીની શરત (૩.૫) મુજબ રૂપિયા આપવાની ઈન્શ્યોરન્સ કંપનીએ ના પાડી દીધી. ત્યાર બાદ ગૌરવ મહેતાએ કોર્ટમાં અરજી કરી અને જણાવ્યું કે, પોલીસીની શરત ૩.૬ મુજબ, સારવાર સરકારી હોસ્પિટલમાં કે નેશનલ અક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ અંતર્ગત નોંધણી થયેલી હોસ્પિટલમાં કરાવી હોય તો વીમાની ૨૫% રકમ ચૂકવવાની જોગવાઈ છે. જો કે વીમા કંપનીએ ગૌરવ મહેતાની અરજીનો વિરોધ કર્યો અને આયુર્વેદિક સારવાર માટે વીમાની રકમ ન મળે તે વાતને વળગી રહી. દર્દીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હોવાથી દાવો માંડી ન શકે. કેસની સુનાવણી બાદ કોર્ટે નોંધ્યું કે, ગૌરવ મહેતાને વીમાની ૨૫્રુ રકમ મેળવવાનો હક છે. તેમને વીમાની સંપૂર્ણ રકમ નહીં પરંતુ ૨૫૦૦૦ રૂપિયા ૮% વ્યાજ સાથે મળશે.

(11:30 am IST)