Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

૨૦૧૨-૧૩ના વર્ષનું ભૂત ધુણ્યું

શ્રીમંતો સહિત ૧ લાખ કરદાતાઓને ITની નોટિસ

૩૨ યોગ્ય આવક કલમ ૧૪૭ના દાયરામાં નથી આવતીઃ આવક કે ખર્ચની નવેસરથી વિગતો આપવા તાકીદ

નવી દિલ્હી તા.૧૧: મોટી કમાણી વાળા અમીરો સહિત એક લાખથી પણ વધારે કરદાતાઓ આવકવેરા વિભાગની તપાસના દાયરામાં આવી ગયા છે. તેમને વર્ષ ૨૦૧૨-૧૩ માટે ભરાયેલ રીટર્નની સમીક્ષા અંગે નોટીસ મોકલવામાં આવી છે. સૂત્રો અનુસાર, આવકવેરા નિયમની કલમ ૧૪૮ હેઠળ રીટર્નની તપાસ માટે આ કરદાતાઓને નોટીસ મોકલવામાં આવી છે. નોટીસમાં કરદાતાઓના રીટર્નની ફરીથી તપાસની વાત કરતા કહેવાયું છે કે તે વર્ષમાં તેમની આવકના અમુક હિસ્સાની ગણત્રી નથી કરવામાં આવી. આ નોટીસો ૧૫ માર્ચથી ૩૧ માર્ચ વચ્ચે મોકલવામાં આવી છે.

કરદાતાઓને પોતાની આવકની સાથે સાથે તેમને થયેલા નફા અને ખોટ સાથે જોડાફેલી માહિતી પણ ૩૦ દિવસમાં આપવાનું કહેવાયું છે. આ નોટિસમાં કહેવાયું છે કે, નિર્ધારણ વર્ષ ૨૦૧૨-૧૩ માટે તમારી કર-યોગ્ય આવક આવકવેરા અધિનિયમની ધારા ૧૪૭ના વ્યાપમાં નથી આવી એટલે આ નિર્ધારણ વર્ષને માટે આપ પોતાની આવક અથવા ખોટનું પૂન નિર્ધારણ કરો. નોટીસ મળ્યાના ૩૦ દિવસમાં પોતાનો જવાબ પ્રસ્તાવિત ફોર્મમાં રજૂ કરો.

આ નોટિસ આવકવેરા અધિનિયમ કલમ ૧૪૮ હેઠળ બહાર પડાઇ છે પણ ટેક્ષ અધિકારીઓને નોટીસ આપવાની સત્તા કલમ ૧૪૭ હેઠળ મળે છે. સામાન્ય રીતે છ વર્ષ જૂના કેસોમાં પૂનર્વિચાર થઇ શકે છે પણ ૫૦ લાખ રૂપિયાથી વધારે અઘોષિત આવકની જાણ થાય તો ૧૦ વર્ષ સુધીના જૂના કેસ પણ ખોલી શકાય છે.

આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મુખ્ય કમિશ્નરોને પરવાનગીથી જ આ નોટીસો મોકલવામાં આવી છે. તેમણે કહ્યું, '' આ નોટીસ સામાન્ય રીતે મોકલાતી નોટીસ કરતા અલગ છે. બીજા સ્ત્રોતથી થયેલ આવકને કર નક્કી કરતી વખતે ન ગણવામાં આવે તો ફરીથી તપાસ કરી શકાય છે.'' જો કે તેમણે કહ્યું કે કરદાતાની આવક અંગે બધી સાબિતિઓ મળ્યા પછી ફાઇલ ફરીથી ખોલવાની નોટીસને પાછી ખેંચી શકાય છે.

બીજા એક આવકવેરા અધિકારીએ પૂનનિર્ધારણ પ્રક્રિયાની વાત કરતા કહ્યું કે કોઇ પણ કેસ બીજી વાર ખુલે ત્યારે કર અધિકારી બધા પાસાઓ પર ધ્યાન આપે છે. જો કે આવક વિષે સંતુષ્ઠ થયા પછી તે કરદાતા પર નવો કર નથી જોડતા.

સૂત્રો અનુસાર, એક લાખથી વધારે સંખ્યામાં મોકલેલ નોટીસોમાંથી કેટલીક જલ્દી જલ્દીમાં મોકલાઇ છે. કેમ કે તેની સમય સીમા ૩૧ માર્ચે પુરી થતી હતી. કર નિષ્ણાંતોનું માનવું છે કે નવેસરથી કર નક્કી કરવાની કસરત કરદાતાઓના ડેટા પ્રોફાઇલીંગ વધવાથી કેટલાક વર્ષોથી વધી છે.

(11:25 am IST)