Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

...જ્યારે રસ્તાની વચ્ચે મુકેશ અંબાણીએ નીતાને કર્યું પ્રપોઝ

મુકેશ અંબાણીના જીવનનો એક રસપ્રદ કિસ્સો સોશિયલ મીડિયા પર વહેતો થયો

મુંબઇ તા. ૧૧ : દેશના સૌથી ધનાઢ્ય પરિવાર ગણાતા મૂકેશ અંબાણીના જીવનનો એક રસપ્રદ કિસ્સો સોશિયલ મીડિયા પર વહેતો થઇ રહ્યો છે. નીતા અને મૂકેશ અંબાણી હાલમાં જાહોજલાલીવાળું જીવન જીવી રહ્યા છે. તેમની પ્રેમકથા કેવી રીતે શરૂ થઇ એ અંગેની વાતો આ જોડીએ સીમી ગરેવાલના એક શોમાં કહી હતી અને ત્યારે શૂટ કરેલો એ વીડિયો હાલમાં દરેક વ્યકિતના મોબાઇલમાં ફરી રહ્યો છે. મૂકેશ અંબાણીએ તેના પ્રેમનો એકરાર કરીને નીતા અંબાણીને ગ્રાન્ટ રોડ ખાતે આવેલા પેડર રોડ પર ભર રસ્તા પર પ્રપોઝ કર્યું હતું અને તેને કારણે ખૂબ જ ટ્રાફિકજામ થયાં હોવાની વાત પણ તેમણે કહી હતી.

ફિલ્મી અંદાજમાં લગ્નનો પ્રસ્તાવ રાખવાવાળા મૂકેશ અંબાણીએ તે વખતે કહ્યું હતું કે, 'નીતા મારા જીવનનો પહેલો અને અંતિમ પ્રેમ છે. મારા પિતા ધીરૂભાઇ અંબાણીના માધ્યમથી અમારા બંનેની મુલાકાત થઇ હતી. મને તો નીતા પહેલી નજરમાં જ પસંદ આવી ગઇ હતી અને ત્યારે જ મેં તેને મારી જીવનસંગિની માની લીધી હતી. એક વખત હું ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે મેં હિમ્મત જુટવીને નીતાને પેડર રોડની વચ્ચે ગાડી થોભાવીને પૂછ્યું હતું કે શું તું મારી સાથે લગ્ન કરીશ? હા કે ના જે પણ જવાબ હોય તે મને હમણા જ જોઇએ છે.'

આગળની વાત કરતાં નીતા અંબાણીએ પણ આ રમૂજી અને મજેદાર કિસ્સાને વધુમાં જણાવ્યું હતું કે, 'તે સમયે ગાડી થોભાવી હતી અને રસ્તામાં વાહનોની લાંબી લાઇન લાગતા વાહનચાલકો બૂમાબૂમ કરી રહ્યા હતાં, મેં જયારે હા પાડી ત્યારે જ તેમની ગાડી આગળ ચાલી. આ પ્રપોઝ એમણે એકદમ ડ્રામેટિક અંદાજમાં કર્યો હતો અને એ દિવસને હું કયારેય ન ભૂલી શકું.' ૬૧ વર્ષીય મૂકેશ અંબાણી વર્ષ ૧૯૮૪માં નીતા અંબાણી સાથે લગ્નબંધને બંધાયા હતા અને આકાશ, અનંત અને ઇશા એમ તેમના ત્રણ સંતાનો છે. થોડા સમય પહેલા જ ઇશા અને આકાશના પણ લગ્ન થયાં હતાં.

(10:23 am IST)