Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

હિંદુ લગ્ન ધારામાં વિવાહ પહેલા તેમની સંમતિ લેવાનું ફરજીયાત કરવા યુવતીની અરજી નકારતી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્ન ધારાની જોગવાઈઓનું અર્થઘટન કરવાનો સાફ ઈન્કાર કર્યો

 

સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્ન ધારાની જોગવાઈઓનું અર્થઘટન કરવાનો ઈન્કાર કર્યો છે.સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્ન ધારા હેઠળ કોઈપણ યુવક કે યુવતીના વિવાહ પહેલા તેમની સંમતિ લેવાનું ફરજિયાત બનાવવાની માગણી કરતી અરજીને નકારી કાઢી છે.

  સુપ્રીમ કોર્ટે મરજી વગર લગ્ન કરાવવાના મામલે એક યુવતીની અરજી પર કર્ણાટક અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે કર્ણાટકની એક યુવતી દ્વારા અરજીમાં માગણી કરાઈ હતી કે હિન્દૂ મેરેજ એક્ટ હેઠળ કોઈપણ યુવક-યુવતીના લગ્ન પહેલા તેમની સંમતિ લેવી ફરજિયાત બનાવવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે યુવતીના લગ્નમાં દખલગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્ન રદ્દ કરાવવા માટે યુવતી સિવિલ કોર્ટમાં જાય.

   સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે જાહેરહિતની અરજીમાં લગ્નને શૂન્ય ઠેરવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે હિંદુ લગ્ન ધારાની કલમ- 12 પેટાકલમ- એક- સીમાં સ્પષ્ટ લખ્યું છેકે જો  માતાપિતા અથવા વાલી દ્વારા લગ્ન માટે છેતરપિંડી અથવા બળજબરીથી સંમતિ લઈને લગ્ન કરાવવામાં આવે તો તેને શૂન્ય ઠેરવી શકાય છે. તેનો અર્થ છે કે સંમતિ જરૂરી છે. તેની સાથે સુપ્રીમ કોર્ટે યુવતીને પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો આદેશ પણ આપ્યો છે.

   યુવતી કર્ણાટકના એક શક્તિશાળી નેતાની પુત્રી છે અને તેણે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. અરજીમાં યુવતીએ  જણાવ્યું છે કે, તે એન્જિનિયર છે અને અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરવા ચાહતી હતી. પરંતુ પરિવારજનોએ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. બાદમાં યુવતીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. યુવતીએ કોર્ટમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની સાથે હિંદુ લગ્ન ધારાની જોગવાઈઓને પણ પડકારી હતી. તેમાં લગ્ન માટે મરજીનો ઉલ્લેખ નથી. યુવતીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે જોગવાઈ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો વિરુદ્ધ છે.

મહત્વપૂર્ણ છે કે કેરળના વિવાદીત કથિત લવજેહાદના કેસમાં હાદિયા ઉર્ફે અખિલા અશોકને પોતાનો ધર્મ બદલીને મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા. હાદિયાએ કહ્યું હતું કે તેણે લગ્ન માટે ઈસ્લામ અંગિકાર કર્યો છે અને તે પોતાના પતિ સાથે રહેવા માગે છે. સુપ્રીમ કોર્ટે કેસમાં હાદિયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

(9:31 pm IST)