Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સિરિયામાં કથિત કેમિકલ હુમલાથી પશ્ચિમના દેશો લાલઘૂમ :ડોનાલ્ડ ટ્રમ્પએ વિદેશ યાત્રા રદ કરી : મોટાપાયે સૈન્ય હુમલો કરવા વાતચીત

 

સીરિયામાં કથિત કેમિકલ હુમલા બાદ અમેરિકા સહિતના પશ્ચિમ દેશો આકરા મિજાજમાં છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તેની લેટિન અમેરિકાનો પ્રવાસ પણ રદ કર્યો છે અને અમેરિકા ,બ્રિટન અને ફ્રાંસે સીરિયામાં મોટા પાયે સૈન્ય હુમલા કરવા માટે વાતચીત શરૂ કરી છે.

    સીરિયામાં ગત સપ્તાહે થયેલા કેમિકલ એટેક બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે. મામલે ટ્રમ્પે પોતાનો લેટિન અમેરિકાનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો. જેથી તે સીરિયા મુદ્દે પર અમેરિકનોની પ્રતિક્રિયાનું મુલ્યાંકન કરી શકે. બુધવારે ટ્રમ્પે સીરિયામાં થયેલા કેમિકલ હુમલાનો સંયુક્ત સૈન્ય જવાબ આપવા માટે પોતાના વૈશ્વિક સહયોગીઓ સાથે વિચારણા કરી.

  અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન ચાલુ સપ્તાહના અંત સુધીમાં સીરિયામાં સૈન્ય હુમલો કરવા અંગે વિસ્તૃત વાતચીત કરી રહ્યા છે. ત્રણેયમાંથી કોઇ પણ દેશના નેતાઓ હજુ સુધી પાકો નિર્ણય કર્યો નથી. સંયુક્ત સૈન્ય અભિયાનથી કેમિકલ હથિયારો પર પ્રતિબંધ લાગુ કરવા અને રશિયા તથા ઇરાન તરફથી સીરિયાના ડિપ્લોમેટીક અને સૈન્ય સહયોગનો મુકાબલો કરવા માટે આંતરરાષ્ટ્રીય એક્તાનો સંદેશ અપાઇ શકે છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ફ્રાંસ, અમેરિકા, બ્રિટન આગામી દિવસોમાં તે નિર્ણય લેશે કે કેવી રીતે જવાબ આપવો. સીરિયાના ડૂમા શહેરમાં થયેલા હુમલાનો કડક અને સંયુક્ત જવાબ આપવો જોઇએ.

ફ્રાંસે કહ્યું છે કે જો તે સાબિત થશે કે સીરિયામાં વિદ્રોહીઓના કબ્જાવાળા વિસ્તારમાં શંકાસ્પદ કલોરીન ગેસથી હુમલો થયો હતો તેઓ સીરિયા પર પલટવાર કરશે.

ફ્રાંસ સરકારના પ્રવક્તા બેન્જામિન ગ્રિવોક્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જો લક્ષ્મણ રેખા પાર કરવામાં આવી છે તો તેનો જવાબ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આદાન-પ્રદાન કરવામાં આવેલી ગુપ્ત સૂચનામાં સૈદ્ધાંતિક રીતે કેમિકલ હથિયારોના ઉપયોગની પુષ્ટી કરવામાં આવી છે. સીરિયામાં કેમિકલ હથિયારોના ઉપયોગના પુરાવા લક્ષ્મણ રેખા છે જે સીરિયન સરકારની સેનાઓ પર હુમલા કરવા માટે ફ્રાંસને મજબૂર કરશે.

સીરિયન કાર્યકરો અને બચાવકર્મીઓનું કહેવું છે કે કેમિકલ હુમલાના કારણે લોકોના મોત થયા છે. જો કે સીરિયાની અસદ સરકારે તેની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો છે.

(9:27 pm IST)