Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મેહુલની ૫૨૮૦ કરોડની અન્ય લોન મામલે તપાસ

મેહુલ અને તેની કંપનીઓની લોનમાં તપાસ શરૂ : ચોકસી-ગીતાંજલી ગ્રુપ સામે નોંધાયેલી એફઆઈઆરના ભાગરૂપે તપાસ : પીએનબી કૌભાંડથી અલગ રીતે તપાસ

નવી દિલ્હી, તા.૧૧ : સીબીઆઈએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકના નેતૃત્વમાં ૩૧ બેંકોના કન્સોલ્ટીયન પાસેથી ફરાર થયેલા કારોબારી મેહુલ ચોકસી અને તેમની કંપની દ્વારા લેવામાં આવેલી ૫૨૮૦ કરોડ રૂપિયાની અન્ય લોનના મામલામાં પણ તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ કહ્યું છે કે મેહુલ ચોકસી અને તેમની ગીતાંજલી ગ્રુપ કંપની સામે દાખલ કરવામાં આવેલી પ્રવર્તમાન એફઆઈઆરના ભાગરૂપે આ તપાસ ચાલી રહી છે. જોકે આ તપાસ પંજાબ નેશનલ બેંક કૌભાંડ કરતા અલગ તપાસ છે. પંજાબ નેશનલ બેન્ક સાથે કારોબારી નિરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા ૧૩૫૦૦ કરોડથી વધુની છેતરપિંડીના મામલામાં તપાસ ચાલી રહી છે. એક અન્ય ઘટનાક્રમમાં સીબીઆઈએ હવે પીએનબી કૌભાંડમાં એન્ટવર્પ બેલ્જિયમના બેંક ઓફ ઈન્ડિયાના એક અધિકારી અને કેનેરા બેંક (બહેરીન શાખા) ના બે અધિકારીઓની પૂછપરછ કરી છે. સીબીઆઈ દ્વારા પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં ઉંડી તપાસનો દોર જારી છે. મેહુલ ચોકસી અને તેમની કંપનીઓ દ્વારા લેવામાં આવેલી ૫૨૮૦ કરોડ રૂપિયાની અન્ય લોનના મામલામાં ઉંડી તપાસ શરૂ થતા આ મામલામાં પણ કેટલીક નવી વિગતો સપાટી પરઆવી શકે છે. બે હીરા કારોબારી નિરવ મોદી અને ચોક્સીએ પીએનબી કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને ગેરકાયદે રીતે જંગી નાણા ઉપાડી લીધા હતા અને બેંક સાથે જંગી ઠગાઈ કરી હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડને ભારતીય બેન્કીંગના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડ તરીકે ગણવામાં આવે છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ સપાટી પર આવે તે પહેલા જ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશમાંથી તેમના પરિવાર સાથે ફરાર થઈ ગયા હતા.

(7:44 pm IST)