Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કેન્‍દ્ર સરકારે ઓઇલ કંપનીઓને નિર્દેશ આપ્યોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ જલ્દીથી ઓછા કરે અને ગ્રાહકો ઉપર પડતો બોજાને ઘટાડે

નવી દિલ્હીઃ કેન્‍દ્ર સરકારે ગ્રાહકો ઉપર પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે પડતો બોજો ઘટાડવા માટે ઓઇલ કંપનીઓને તાકીદ કરી છે.

પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના કારણે સતત સરકારની આલોચનાઓ થઈ રહી હતી અને ભાવ ઓછા કરવા માટે અપીલ કરવામાં આવી રહી હતી. અત્રે જણાવવાનું કે સરકારે ઓઈલ કંપનીઓને એક રૂપિયો પ્રતિ લીટરનો ભાર ઉઠાવવાનું કહ્યું છે. ત્યારબાદથી શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં કડાકો આવ્યો.

સરકારના આ પગલાં પર ઓઈલ એન્ડ ગેસ મામલાના એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ ઝી બિઝનેસ સાથે વાત કરતા કહ્યું કે ક્રુડના ભાવોને લઈને સરકારની નીતિ સ્પષ્ટ છે. સરકારે ગ્રાહકો પર વધુ બોજો ન નાખવા જણાવ્યું છે. આ મુદ્દે સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે વાતચીત જારી છે. જો કે રાહતની વાત એ છે કે ક્રુડ ઓઈલમાં હજુ વધુ વધારાની આશા નથી. અત્રે જણાવવાનું કે ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓને માર્જિન ઓછો કરવાનું કહી શકે છે. ક્રુડ ઓઈલના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી હસ્તક્ષેપ જરૂરી બની ગયો હતો. હાલમાં જ પેટ્રોલિયમ મંત્રાલયે પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવો પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ નાણા મંત્રાલય પાસે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની અપીલ પણ કરી હતી.

પેટ્રોલ અને ડીઝલના વુધતા ભાવોના કારણે મોંઘવારી વધવાનો ખતરો મંડરાવવા લાગ્યો છે. જેના કારણે સરકારના ફિસ્કલ ડેફિસિટ અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં પણ વધારો થઈ રહ્યો છે., જેનાથી ઈકોનોમીની મેક્રો સ્ટેબિલિટી પ્રભાવિત થઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો રોજેરોજ બદલાતા રહે છે. સતત વધી રહેલા ભાવોના કારણે લોકોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 81.80 રૂપિયાના સ્તરે અને દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ 74 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. આ ભાવ 5 વર્ષમાં સૌથી વધુ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ જૂનમાં બ્રેન્ટ ક્રુડ ન્યુનતમ સ્તર 44 ડોલર પ્રતિ બેરલ પર હતું. જે વધીને હાલના સમયમાં લગભગ 70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. ગત કેટલાક મહિનાઓ દરમિયાન ગ્લોબલ માર્કેટમાં ક્રુડજ ઓઈલની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે મોંઘવારી વધવાનો ખતરો મંડરાવવા લાગ્યો છે.

સરકારના આ નિર્દેશ બાદ તેલ કંપનીઓના ભાવમાં કડાકો જોવા મળ્યો. આ દરમિયાન IOC, HPCL જેવી કંપનીઓનું કહેવું છે કે ઓઈલના ભાવોને ઓછા કરવા અંગે નિર્દેશ મળ્યા નથી. કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું કે સરકાર તરફથી કોઈ પત્ર મળ્યો નથી. જો આવો પત્ર મળશે તો તેના પર વિચાર કરવામાં આવશે.

ગત વર્ષ જૂનથી રોજેરોજ પેટ્રોલના ભાવ નક્કી થાય છે. ગત વર્ષ જૂનમાં પેટ્રોલનો ભાવ 66.91 રૂપિયા અને ડીઝલનો ભાવ 55.94 રૂપિયા હતો. એટલે કે જૂન 2017થી લઈને 2 એપ્રિલ 2018 સુધી પેટ્રોલ 06.82 રૂપિયા અને ડીઝલ 08.75 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. એટલે કે ભાવ ઘટ્યા નથી પરંતુ સતત વધ્યા છે.

(6:42 pm IST)