Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

...તો શાહજહાંના હસ્તાક્ષર દેખાડોઃ સુપ્રિમ

સુન્ની વકફ બોર્ડનો દાવોઃ શાહજહાંએ તાજમહેલ અમારા નામે કર્યો હતો! : તાજમહેલ અંગે સુન્ની બોર્ડના દાવા સામે સુપ્રિમે તત્કાલીન દસ્તાવેજ માંગ્યા

નવી દિલ્હી તા. ૧૧ : તાજમહાલ પર હક કોનો? સરકાર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કે સુન્ની વકફ બોર્ડ? આ કેસ સુપ્રીમના દરવાજે આવ્યો તો કોર્ટે કહ્યું કે, દેશમાં હવે વિશ્વાસ કોન કરશે કે તાજમહેલ વકફ બોર્ડની સંપત્તિ છે. આ પ્રકારના કેસ લાવીને કોર્ટનો સમય વેડફવો જોઇએ નહિ.

સુપ્રિમ કોર્ટનું આ નિવેદન એએસઆઇની અરજી પર સુનાવણી દરમિયાન આવ્યું છે. અરજીમાં એએસઆઇએ ૨૦૦૫ના ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડના નિર્ણયને પડકાર્યો છે. જેમાં બોર્ડે તાજમહેલને વકફ બોર્ડની સંપત્તિ ઘોષિત કરી હતી. સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, મુગલકાળનો અંત થવાની સાથે જ તાજમહેલ સહિત અન્ય ઐતિહાસિક ઇમારતો અંગ્રેજોના કબ્જા હેઠળ હતી. આઝાદી બાદથી આ સ્મારક સરકારની પાસે છે અને એએસઆઇ તેની દેખભાળ કરી રહ્યું છે.

બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુન્નીઓના પક્ષમાં મુગલ બાદશાહ શાહજહાંએ જ તાજમહલનું વકફનામુ તૈયાર કરાવ્યું હતું. તેના પર બેંચે તરત જ કહ્યું કે, તમે અમને શાહજહાંના હસ્તાક્ષર દેખાડો બોર્ડના આગ્રહ પર કોર્ટે એક સપ્તાહનો સમય આપ્યો.

ખરેખર, સુન્ની વકફ બોર્ડે એલાન કરીને તાજમહેલને ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડની સંપત્તિની ઘોષણા કરવાની માંગ કરી હતી. પરંતુ હાઇકોર્ટમાં અરજીકર્તાને કહ્યું કે, તેઓ વકફ બોર્ડની મુલાકાત લે.

મોહમ્મદ ઇરફાન બેદારે ૧૯૯૮માં વકફ બોર્ડ સમક્ષ અરજી દાખલ કરીને તાજમહેલને બોર્ડની સંપત્તિ ઘોષિત કરવાની માંગ કરી. બોર્ડે એએસઆઇને નોટીસ આપીને જવાબ માંગ્યો હતો. એએસઆઇએ પોતાના જવાબમાં તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, તાજમહેલ તેની સંપત્તિ છે પરંતુ બોર્ડે એએસઆઇની દલીલોની દરકિનાર કરીને તાજમહેલને બોર્ડની સંપીત્ત ગણાવી દીધી.

(6:43 pm IST)