Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ચીફ જસ્ટીસના વિશેષાધિકારને માન્ય રાખવી સુપ્રિમ

કેસનું વિતરણ કરવું એ મુખ્ય ન્યાયધીશનો અધિકાર છે

નવી દિલ્હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સર્વોચ્ચ બંધારણીય અધિકારી છે. કઈ બેંચ(ખંડપીઠ)ને કયો કેસ સોંપવા તે તેમનો વિશેષ અધિકાર છે. સુપ્રીમ કોર્ટમાં કેસની વહેંચણીને લઈને દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની બેંચે આ અરજી રદ કરી હતી. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે ચીફ જસ્ટિસે બીજા બે સીનિયર ન્યાયાધીશો સાથે મળીને કોર્ટમાં બેસવું જોઈએ અને તેમની સલાહથી કેસની વહેંચણી કરવી જોઈએ. અરજીકર્તાએ દલીલ કરી હતી કે આનાથી સુપ્રીમ કોર્ટનું કામ વધારે પારદર્શક બનશે.

ન્યાયાધીશ ચંદ્રચૂંડે અરજી અંગે સુનાવણી કરતા કહ્યું કે, 'CJI સર્વોચ્ચ બંધારણીય અધિકારી છે, કેસની વહેંચણી કરવી તેમને વિશેષાધિકાર છે. ચીફ જસ્ટિસ એક બંધારણીય હોદ્દો છે અને તેમના અધિકાર અને જવાબદારીમાં કોઈ છેડછાડ કરી શકાય નહીં.'

આ વર્ષે ૧૨મી જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ મદન લોકુર, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ રંજન ગોગોઈએ મીડિયા સામે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. સુપ્રીમ કોર્ટમાં કેસની વહેંચણી યોગ્ય રીતે નથી કરવામાં આવી રહી.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસની વહેંચણીને લઈને નિયમ બનાવવા માટે વકીલ અશોક પાંડે દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ અરજી રદ કરી નાખી છે.

(8:48 pm IST)