Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

નિરવની સંપત્તિની માહિતી મેળવવા ૧૩ દેશોનો સંપર્ક

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિવિધ દેશોના સંપર્કમાં : ઇડી મારફતે ૧૩ દેશોને લેટર ઓફ રોગેટરી જારી કરાયા છે : નિરવ અને મેહુલની વિદેશી સંપત્તિ પર બાજ નજર

નવી દિલ્હી,તા. ૧૧ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પંજાબ નેશનલ બેંકને ૧૩૫૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર મુખ્ય આરોપી હિરા કારોબારી નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીના કારોબાર અને તેમની સંપત્તિ અંગે માહિતી મેળવી લેવા માટે હવે ૧૩ દેશોનો સંપર્ક કર્યો છે. ઇડીના અધિકારીઓ ૧૩ દેશોના અધિકારીઓ સાથે હાલમાં સંપર્કમાં છે. તેમના અંગે વધુને વધુ માહિતી મેળવી લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇડી દ્વારા આ ૧૩ દેશોને લેટર ઓફ રોગેટરી પણ જારી કરી દીધા છે. જ્યાં મોદી અને ચોકસીના કારોબાર હોવાની શંકા રહેલી છે. ઇડી દ્વારા જે દેશોને લેટર ઓફ રોગેટરી જારી કરી દીધા છે તેમાં સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, દુબઇ, બેલ્જિયમ, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન અને હોંગકોંગનો સમાવેશ થાય છે.

તેમની પાસેથી મળેલી સુચનાના આદાર પર ઇડી મોદી અને ચોકસીની વિદેશી સંપત્તિની આવકના સોર્સ અંગે માહિતી મેળવવામાં આવનાર છે. જો તપાસથી આ વાત પાકી થઇ જશે કે બન્નેએ વિદેશી સંપત્તિ પણ ફ્રોડ અથવા તો હેરાફરી મારફતે હાંસલ કરી છે તો આ તમામ સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરી લેવામાં આવનાર છે. ઇડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે તેમની આ કવાયતનો હેતુ મોદી અને ચોક્સીની સામે પુરાવા અને ગેરકાયદે રીતે હાંસલ કરવામાં આવેલી વિદેશી સંપત્તિ અંગે માહિતી એકત્રિત કરવા માટેનો છે. લેટર રોગેટરી એટલે કે લેટર ઓફ રિક્વેસ્ટ જ્યુશિયલ આસીસટન્ટ  માટે એક દેશની કોર્ટ તરફથી બીજા દેશની કોર્ટને મોકલવા સાથે સંબંધિત પત્ર હોય છે. બીજી બાજુ સીબીઆઇ દ્વારા પહેલાથી જ વિદેશી બેંકોના એવા અધિકારીઓની તપાસ હાથ ધરી છે જે અધિકારીઓએ ઇન્ડિયન બેંકોના અનસિક્યોર્ડ લેટર ઓફ અંડરટેકિંગ  પર ક્રેડિટ ઇશ્યુ કર્યા હતા.

(12:19 pm IST)