Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ચેન્નાઈમાં આજથી ડિફેન્સ એકસપોઃ નરેન્દ્રભાઈ કાલે આવશે

૪૭ દેશની આશરે ૬૭૦ જેટલી રક્ષા ઉત્પાદક કંપની સામેલ

ચેન્નઈઃ ચેન્નઇમાં આજથી ચાર દિવસીય ડિફેન્સ એકસપોની શરૂઆત થઇ રહી છે. જેનું ઉદ્ધઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે ૧૨ એપ્રિલના રોજ  કરશે.  ચાર દિવસ સુધી ચાલનારા આ ડિફેન્સ એકસપોમાં ૪૭ દેશોની ૬૭૦ જેટલી કંપનીઓ ભાગ લઇ રહી છે.

તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં ૧૪ એપ્રિલ સુધી ડિફેન્સ એકસપોનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ચેન્નઇના તિરૂવિદાતાઇમાં  આયોજીત  ડિફેન્સ એકસપોની આ ચાલુ વર્ષે ૧૦મી આવૃતિ છે. આ કાર્યક્રમમાં ભારતની ડિફેન્સ પબ્લીક સેકટરની કંપનીઓ ઉપરાંત ૪૭ દેશોની કંપનીઓ ભાગ લઇ રહી છે. ડિફેન્સ એકસપોમાં આશરે ૬૭૦ એવી કંપનીઓ સામેલ થઇ રહી છે જે રક્ષા ઉત્પાદન તૈયાર કરે છે. જેમાં ૧૫૪ વિદેશ ઉત્પાદકો પણ સામેલ છે. અમેરિકા, બ્રિટન, રશિયા, અફઘાનિસ્તાન, સ્વિડન, ફિનલેન્ડ, ઇટાલી સહિત ઘણા અન્ય દેશોની મોટી કંપનીઓ અહીં પોતાના ઉપકરણોનું પ્રદર્શન કરશે.

ચાર દિવસ સુધી ચાલનારા આ એકસપોમાં સેમિનાર સહિત હથિયારો અને અન્ય સૈન્ય ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવશે. ચાલુ વર્ષે ડિફેન્સ એકસપોની થીમ છે ભારત-એક વિકસતો રક્ષા ઉપકરણોનો ઉત્પાદક દેશ. ડિફેન્સ એકસપોમાં ભારત તે હથિયારોનું પ્રદર્શન કરશે જે જમીન, હવા અને પાણીમાં દુશ્મનને જવાબ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. પહેલી વખત દેશમાં આ હથિયારોને તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં તેજસ ફાઇટર જેટથી લઇને એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ સામેલ છે. જેનું નિર્માણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અર્જુન માર્ક-૨ ટેંક અને ધનુષ તોપને પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આ એકસપોમાં ચીન અને માલદીવને પણ સામેલ થવા માટે આમંત્રણ અપાયું હતુ. પરંતુ માલદીવે ઇન્કાર કરેલ, જયારે ચીને કોઇ જવાબ આપ્યો નથી.(૩૦.૪)

(11:38 am IST)