Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

પશુ વેચાણનો કાયદો 'ઢીલો' કરી નખાયો

હવે પશુબજારમાં ગાયો સહિતના જાનવરોનું વેચાણ થઈ શકશે : ટાઈમ્સનો હેવાલ

નવી દિલ્હી, તા. ૧૧ : જાનવરોની ખુલ્લા બજારમાં કતલખાના માટે વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતા ભારે વિવાદ સર્જનાર જાહેરનામુ અંતે કેન્દ્ર સરકારે રદ્દ કરી નાખ્યુ છે અને નવા ડ્રાફટ રૂલને અમલમાં લાવવા સાથે ''જાનવરોના વેચાણને પ્રતિબંધિત'' (રીસ્ટ્રીકશન ઓન સેલ ઓફ કેટલ)ની જોગવાઈ હટાવી લીધાનું ટાઈમ્સના હેવાલમાં જણાવાયુ છે. ટાઈમ્સ લખે છે કે આનો અર્થ એ કે ગાયો સહિતના પશુ (કેટલ) હવે પશુબજારમાં વેચી શકાશે એટલે કે જયાં કાયદેસર હોય ત્યાં કતલ કરવા માટે પણ વેચી શકાશે.

ગયા વર્ષે બહાર પડેલા જાહેરનામામાં પશુ કતલ માટે કોઈ પ્રતિબંધ મૂકાયો ન હતો. પરંતુ કતલ કરવા માટે પશુ બજારોમાં જાનવરોના વેચાણ ઉપર મૂકાયેલ લગામોને લીધે કેરળ, બંગાળ અને કેટલાક ઉત્તર - પૂર્વના રાજયો કે જયાં ગૌહત્યા અને ગૌમાંસ વેચાણ ઉપર પ્રતિબંધ નથી, ત્યાં પણ, આવા વેચાણ ઉપર આ જાહેરનામાથી અસર પડી હતી તેમ ટાઈમ્સ નોંધે છે.

આ જાહેરનામાને લીધે જે પશુઓ તેની દૂધ આપવાની ઉંમર પૂરી કરી ચૂકયા હોય (આપણે ત્યાં જે રામધણ તરીકે રેઢા મૂકી દેવાયેલ ગૌધન તરીકે ઓળખાય છે) તેનું વેચાણ પણ પશુમેળામાં કરી શકાતુ ન હતું. આ જાહેરનામા મુજબ ખરીદનાર અને વેચનાર બંનેએ જાહેર કરવુ જરૂરી હતું કે આ પશુને કતલ કરવા લઈ જવાતા નથી, જે જોગવાઈ હવે દૂર થશે.

સરકારને આ જાહેરનામુ બહાર પાડ્યા પછી ખ્યાલ આવ્યો કે તેને લીધે પશુઓનું સ્થળાંતર પણ ખૂબ મુશ્કેલ બન્યુ છે અને ડેરી ખેડૂતો તથા કૃષિકારોમાં નારાજગી ફેલાયેલ છે.

આ વિવાદ - મુશ્કેલી સર્જતી જોગવાઈને નાબુદ કરવામાં પર્યાવરણ મંત્રાલયને એક વર્ષનો સમય લાગ્યો છે. મે ૨૦૧૭ના આ નિયમોનો જે રાજયોમાં ગૌમાસ ઉપર પ્રતિબંધ નથી તેમણે વિરોધ કર્યો હતો.(૩૭.૨)

 

(11:54 am IST)