Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રેલવે ટેન્ડર કેસ : રાબડીના આવાસ ઉપર દરોડા પડ્યા

તેજસ્વી યાદવની ચાર કલાક પુછપરછ થઇ : સીબીઆઈ ખાસ ટુકડી દ્વારા પટણામાં આક્રમક કાર્યવાહી કરી : લાલૂના પરિવાર ઉપર સકંજો હજુય અકબંધ રહ્યો

મુંબઇ,તા. ૧૦ : દેશમાં ભારે રાજકીય ચર્ચા જગાવનાર રેલવે હોટેલ ટેન્ડર કેસના સંબંધમાં સીબીઆઇએ આજે ભૂતપૂર્વ રેલવે પ્રધાન અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવના પત્નિ રાબડી દેવીના આવાસ પર દરોડા પાડ્યા હતા. રાબડી દેવીના આવાસ પર દરોડાની કાર્યવાહીથી આરજેડીના કાર્યકરોમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતુ. રાબડી દેવીના પટણા સ્થિત આવાસ પર દરોડાની સાથે સાથે સીબીઆઇની ટીમે લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની આશરે ચાર કલાક સુધી પુછપરછ પણ કરી હતી. નવેસરની માહિતી મુજ સીબીઆઇ દ્વારા પુછપરછની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પહેલા આ મામલામાં સીબીઆઇએ લાલુ યાદવની પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પુછપરછ કરી હતી. તેજસ્વી યાદવ પર ગયા વર્ષે જુલાઇ મહિનામાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ આમલો આઇઆરસીટીસીની હોટેલોની હરાજી સાથે સંબંધિત હોવાની વિગત સપાટી પર આવી છે. હોટેલોની હરાજીમાં થયેલા કોંભાડના સંબંધમાં લાલુ યાદવની પુછપરછ કરવામાં આવ્યા બાદ હવે તેજસ્વી યાદવની પુછપરછ કરવામાં આવી છે. આ મામલાના સંબંધમાં લાલુ અને તેમના પરિવારના સભ્યોના કેટલાક સ્થળ પર પહેલા પણ દરોડા પાડવામાં આવી ચુક્યા છે. લાલુ પર આરોપ છે કે તેઓએ બંધારણીય હોદ્દા પર રહેતી વેળા કેટલાક ખાસ લોકોને ફાયદો કરાવ્યો હતો. આરોપ મુજબ રેલવે પ્રધાન તરીકેના ગાળામાં લાલુ યાદવે બીએનઆર રાંચી અને બીએનઆર પુરીની દેખરેખની જવાબદારી એક ખાનગી હોટેલને સોંપી હતી. લાલુએ બદલામાં એક બેનામી કંપની મારફતે ત્રણ એકડ જમીનની કટકી કરી હતી. આ હોટેલનુ નામ સુજાતા હોટેલ રાખવામાં આવ્યુ હતુ. જેની માલિકીના હક વિનય અને વિજય કોચરની પાસે છે. ચાર કલાક સુધી તેજસ્વીની પુછપરછ કરવામાં આવી હતી. આજ કેસ છે જેના કારણે જેડીયુના નેતા નીતિશકુમારે ગયા વર્ષે કરવામાં આવેલા મહાગઠબંધનમાંથી નિકળી જવાની જાહેરાત કરી હતી. બિહાર સરકારમાંથી આના કારણે આરજેડીની બાદબાકી થઇ હતી. લાલૂ યાદવના નજીકના સાથી પ્રેમચંદ ગુપ્તાની પત્નિ સરલા ગુપ્તાનું પણ આમા હાથ રહેલો છે. કેસમાં આઈઆરસીટીસીના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પીકે ગોયેલનું નામ પણ છે. અત્રે નોંધનીય છે કે,  ઉચાપતના મામલામાં લાલૂ યાદવ છેલ્લા ઘણા સમયથી જેલમાં છે. સરકારી તિજોરીમાંથી ઉચાપતના કેટલાક કેસમાં લાલૂ કાયદાકીય ગૂંચનો સામનો કરી રહ્યા છે. લાલૂ યાદવ ૨૦૦૪થી ૨૦૦૯ના ગાળા દરમિયાન રેલવે મંત્રી તરીકે રહ્યા હતા.

(12:00 am IST)