Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મહારાષ્‍ટ્રમાં બે અકસ્‍માતઃ ખંડાલા પાસે લકઝરી બસ અને ટ્રક વચ્‍ચે જોરદાર અકસ્‍માતઃ ૧૭ મજુરોના મોત તેમજ પાલઘર નજીક થયેલા અકસ્‍માતમાં બેના મોત

મુંબઈ: મહારાષ્‍ટ્રમાં જુદા-જુદા બે અકસ્‍માતમાં ૧૯ વ્‍યકિતના મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. ખંડાલા પાસે લકઝરી બસ અને ટ્રક વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા ૧૭ મજુરોના મોત નિપજ્યા છે જ્યારે અમદાવાદ-મુંબઈ હાઈવે પર પાલઘર નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.

સૌથી ગોઝારો અકસ્માત પુણે-સતારા હાઈવે પર ખંડાલા નજીક થયો હતો, જેમાં આજે સવારે મજૂરોથી ભરેલો એક ટેમ્પો પલ્ટી જતાં તેમાં સવાર 17 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ મૃતકો કર્ણાટકના હતા, અને તેઓ જે ટ્રકમાં સવાર હતા તે પણ કર્ણાટકનો જ હતો.

અકસ્માતનો ભોગ બનનારા ટ્રકમાં 34 મજૂરો સવાર હતા. તેઓ એક મિની ટ્રકમાં સવાર મજૂર એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ)ની તરફ જઇ રહ્યાં હતા. કહેવાય છે કે ઓવરલોડ હોવાના લીધે ટ્રક બેકાબૂ થઇ ગઇ હતી. ખંડાલા પોલીસના મતે ટ્રકમાં કન્સ્ટ્રકશનનો સામાન હતો અને ઓવર લોડ હોવાના લીધે ટ્રકચાલકે કાબૂ ગુમાવ્યો હતો.

ખંડાલાની પાસે પૂણે-સતારા હાઇવે પર મિની ટ્રક બેરિયર સાથે અથડાઇ ગઈ હતી. તમામ મજૂર મિની ટ્રકમાં સવાર હતા અને ટ્રક પલટતા તેની નીચે દબાઇ ગયા. અકસ્માત બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. ઘાયલોમાં કેટલાંયની સ્થિતિ નાજુક છે. ડૉકટરોના મતે મૃતકોનો આંકડો વધી શકે છે.

(6:13 pm IST)