Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કાશ્મીરના અખબારોએ ફ્રન્ટ પેજ કોરા છાપ્યાઃ સરકારી જાહેરાતો અટકાવાતા વિરોધ

જમ્મુ, તા.૧૧: શ્રીનગરથી પ્રકાશિત થતા અખબારોને જાહેરાતો અટકાવી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતાં રવિવારે કાશ્મીરના મોટાભાગના અખબારોએ પહેલું પાનું કોરું રાખ્યું હતું. ગ્રેટર કાશ્મીર અને કાશ્મીર રીડર અખબારોને સરકારની જાહેરાતો નહીં આપવાના નિર્ણયના વિરોધમાં કાશ્મીરના તમામ અખબારોએ રવિવારે પહેલા પાનાં પર કોઈ સમાચાર કે જાહેરખબરો છાપી નહોતી. કાશ્મીર એડિટર્સ ગિલ્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિવારે બપોર બાદ અખબારી અલામ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું.આ અંગે કોઈ લેખિત આદેશ અપાયો નથી પરંતુ બંને અખબારોને જમ્મુ- કાશ્મીર સરકારના માહિતી વિભાગ દ્વારા મૌખિક જાણ કરાઈ હતી કે સરકારે તેમને અપાતી જાહેરાતો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કાશ્મીરના એડિટર્સ ગિલ્ડે  આ બંને અખબારોની સરકારી જાહેરાતો શા માટે બંધ કરી દેવામાં આવી તેનું કારણ આપવા સરકારે જણાવ્યું છે. ઉપરાંત કાશ્મીરના બે અગ્રણી અખબારોને સરકારી જાહેરાતો અટકાવી દેવાના સરકારના નિર્ણયની ઓડિટર્સ ગિલ્ડ આકરી ટીકા પણ કરી.

(3:42 pm IST)