Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઉત્તરપ્રદેશમાં સૌથી કઠોર રાજકીય પરીક્ષા થશે

ઉત્તરપ્રદેશની સૌથી નિર્ણાયક ભૂમિકા રહેશે : વર્ષ ર૦૧૪ની તુલનામાં વિપક્ષ વધારે આક્રમક : ભાજપ કામના આધાર પર મત માંગવા માટે તૈયાર છે

લખનૌ,તા. ૧૧: એમ કહેવામાં આવે છે કે દિલ્હીમાં સત્તાનો રસ્તો ઉત્તરપ્રદેશ થઇને જ જાય છે. એટલે કે ઉત્તરપ્રદેશમાં સૌથી શાનદાર દેખાવ કરનાર પાર્ટી જ કેન્દ્રમાં સરકાર બનાવે છે. રાજનીતિના હાર્ટ તરીકે ઉત્તરપ્રદેશને ગણવામાં આવે છે. આ વખતે હાર્ટના ધબકારા વધારે તેજ છે. કારણ કેટલાક છે. લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સાથે મળીને ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ વખત કોંગ્રેસ તરફથી પ્રિયંકા વાઢેરા મેદાનમાં આવી ચુકી છે. વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં વિરોધ પક્ષો વધારે આક્રમક દેખાઇ રહ્યા છે. આશરે ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હાલમાં રહેલી છે. ભાજપ હજુ પણ મોદીમય છે. સાથે સાથે આ વખતે તેને યોગીનો મજબુત સાથ પણ છે. મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુ ગાંધી આ વખતે પણ ઉત્તરપ્રદેશમાંથી જ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. આ વખતે રાજકીય પરીક્ષાને પાસ કરવાની બાબત તમામ માટે મુશ્કેલ દેખાઇ રહી છે.

ભાજપની સામે વર્ષ ૨૦૧૪માં જેવો દેખાવ કરવામાં આવ્યો હતો તેવા દેખાવ કરવાનો પડકાર છે. છેલ્લે ચૂંટણીમાં ભાજપે યુપીમાં ૮૦માંથી ૭૧ સીટો જીતી લીધી હતી.તેના સાથી પક્ષ અપના દળે બે સીટ જીતી લીધી હતી. એટલે કે તેની સીટો ૭૩ રહી હતી. અલબત્ત હાલમાં પેટાચૂંટણીમાં ભાજપની ગોરખપુર અને ફુલપુરમાં હાર થઇ હતી. ભાજપની સાથે સૌથી મોટો પડકાર તો ઓબીસી વોટ બચાવીને રાખવા માટેનો છે. વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપના સાથી પક્ષો અપના દળ અને સોહેલદેવ સિંહ સાથે ભાજપના સંબંધ પહેલા જેવા રહ્યા નથી. અલબત્ત પાર્ટીની તૈયારી અન્ય પાર્ટીઓ કરતા વધારે જોરદાર છે. પાર્ટી બુથ સ્તર સુધીના સંમેલન કરી ચુકી છે. પ્રથમ અને બીજા તબક્કાની ૧૬ સીટોમાંથી ગઠબંધન તરફથી બસપ ૧૦ સીટ પર ચૂંટણી રહી છે. ત્રણ પર સપા અને ત્રણ પર એારએલડી ચૂંટણી મેદાનમાં છે. આ રીતે ઉત્તરપ્રદેશમાં ભાજપને રોકવા માટે શરૂઆતી જવાબદારી માયાવતી પર આવી ગઇ છે.

પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં આરએલડી પ્રભાવ ધરાવે છે. સપા અને બસપા દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી આક્રમક વલણ અપનાવવામાં આવ્યુ છે.  અત્રે નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે આજે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થશે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. તમામની નજર યુપી પર કેન્દ્રિત છે.

(3:32 pm IST)