Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

તારીખ બદલાવવા ઉગ્ર માંગ

રમઝાનમાં વોટીંગ પર રાજકીય ધમાસાણ : મુસ્લિમ નેતાઓ - મૌલાનાઓને વાંધો

ત્રણ રાજયો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં મતદાનની તારીખો રમઝાન મહિનામાં આવી રહી છે

લખનઉ તા. ૧૧ : લોકસભા ચૂંટણીની તારીખો રવિવારે જાહેર કરયાની સાથે જ એક નવો વિવાદ પેદા થયો છે. ત્રણ રાજયો પશ્યિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં મતદાનની તારીખો રમઝાન મહિનામાં આવી રહી છે. જેથી મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓએ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આટલું જ નહીં તેઓએ ચૂંટણી પંચ સમક્ષ મતદાનની તારીખો બદલવા માટેની માગણી પણ કરી છે.

કોલકાતાના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફિરહાદ હાકીમે કહ્યું કે, ચૂંટણી પંચ એક બંધારણીય એકમ છે અને આપણે તેમના નિર્ણયોનું સન્માન કરવું જોઈએ. અમે ચૂંટણી પંચ વિરૂદ્ઘ કોઈ જ પગલા લેવા નથી માંગતા, પરંતુ એટલું જરૂરથી કહીશું કે અંતિમ તબક્કામાં યોજાનારી મતદાન પ્રક્રિયા બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્યિમ બંગાળના લોકો માટે અઘરી રહેશે. આટલું જ નહીં, આ મતદાન પ્રક્રિયામાં સૌથી વધારે મુશ્કેલી મુસ્લિમોને પડશે કારણકે મતદાન પ્રક્રિયા વખતે રમઝાન મહિનો ચાલતો હશે. કેટલાક વિપક્ષી પક્ષોએ જેવા લોકસભાની ચૂંટણીની તારીખો બાબતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા કે તરત જ રાજકારણમાં રાજકીય ઘમાસાણ છેડાઈ ગયું. જેનું મુખ્ય કારણ છે કે, કુલ ૫૪૩માંથી ૧૬૯ લોકસભાની સીટો પર રમઝાન મહિના દરમિયાન મતદાન થવાનું છે. રવિવારના રોજ જાહેરાત કરાયા અનુસાર આ વખતે સાત ચરણોમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ૧૧ એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાયા બાદ ૧૮ એપ્રિલ, ૨૩ એપ્રિલ, છઠ્ઠી મે, ૧૨ મે અને ૧૯ મેના રોજ બાકીના તબક્કાઓમાં મતદાન પ્રક્રિયા યોજાશે.

(3:23 pm IST)