Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

NDA ૨૬૪ : UPA ૧૪૧ : અન્યોને ૧૩૮ બેઠકો : સર્વે

સી-વોટરનો સર્વે : NDA બહુમતીથી થોડે દુર રહેશે : ગઠબંધન બાદ આરામથી સરકાર રચી શકશેઃ ભાજપને એકલાને ૨૨૦ : કોંગ્રેસને ૮૬ : યુપી મહત્વનું બનશે : રાષ્ટ્રવાદની લહેરનો ભાજપને ફાયદો થશે

નવી દિલ્હી તા. ૧૧ : વિપક્ષો ભલે સાથે મળીને ભાજપના નેતૃત્વવાળા એનડીએને સત્તાથી બહાર કરવાની યોજના બનાવી રહ્યા હોય, પરંતુ તેમને સફળતા મળતી જોવા મળતી નથી. સી-વોટર તરફથી તાજેતરમાં કરાયેલા સર્વે મુજબ, એનડીએ લોકસભામાં બહુમતથી થોડે દૂર રહેશે, પરંતુ ચૂંટણી બાદ ગઠબંધન દ્વારા આરામથી સરકાર બનાવી લેશે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન ન હોવાની સ્થિતિમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએને ૩૦૦થી વધુ બેઠક મળી શકે છે. સી-વોટર દ્વારા કરાયેલા આ રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ, ઉત્તર પ્રદેશનો જંગ આગામી લોકસભાની તસવીરને નક્કી કરવાનું કામ કરશે.

આ સર્વેક્ષણ માર્ચમાં એ સમયે કરાયું, જયારે મોદી સરકારે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી, જેના કારણે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની લહેર ઊભી થઈ ગઈ. ભાજપને આશા છે કે આ લહેર પર સવાર થઈ તે વિપક્ષને હરાવી દેશે અને સર્વેક્ષણે એ વાતની પુષ્ટિ કરી છે કે, વડાપ્રધાન મોદી દોડમાં આગળ છે. સર્વેક્ષણમાં એનડીએને ૨૬૪ બેઠકો આપવામાં આવી છે, જયારે યુપીને ૧૪૧ બેઠકો મળવાની શકયતા વ્યકત કરાઈ છે. તે ઉપરાંત અન્ય પક્ષોને ૧૩૮ બેઠકો મળી શકે છે. જો ઉત્ત્।ર પ્રદેશમાં મહાગઠબંધન નહીં થાય તો એવી સ્થિતિમાં એનડીએ ૩૦૭ બેઠકો મેળવી લેશે અને યુપીએ ૧૩૯ બેઠકો અને અન્ય પક્ષોના ખાતામાં ૯૭ બેઠકો જઈ શકે છે.

બેઠકોના મામલે ભાજપ એકલાને ૨૨૦ બેઠકો અને તેના ગઠબંધન સાથીઓને ૪૪ બેઠકો મળી શકે છે. જો એનડીએ વાઈએસઆર કોંગ્રેસ, મીઝો નેશનલ ફ્રાન્ટ (એમએનએફ), ભાજપ અને ટીઆરએસ સાથે ચૂંટણી પછી ગઠબંધન કરે છે તો તેની બેઠકોની સંખ્યા ૩૦૧ થઈ જશે.

યુપીએમાં કોંગ્રેસને ૮૬ બેઠકો મળવાની શકયતા છે અને અન્ય પાર્ટીઓ તેમાં વધુ ૫૫ બેઠકો જોડશે. યુપીએ જો ચૂંટણી બાદ ગઠબંધન કરે છે અને તેમાં એઆઈયુડીએફ, એલડીએફ, મહાગઠબંધન, ટીએમસી સામેલ થાય છે તો બેઠકોનો કુલ આંકડો ૨૨૬ થઈ જશે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની સ્થિતિમાં ભાજપ ગત ચૂંટણીમાં મળેલી ૭૧ બેઠકોને બદલે ૨૯ બેઠકો સુધી સમેટાઈ શકે છે.

મહાગઠબંધન ન થવાની સ્થિતિમાં ભાજપ ૨૦૧૪ના પરિણામનું પુનરાવર્તન કરી શકે છે અને ૭૨ બેઠકો મેળવી શકે છે. ભાજપને સૌથી વધુ બેઠકો બિહાર (૩૬, ૨૦૧૪માં મળેલી ૨૨થી વધુ), ગુજરાત (૧૪, ગત વખતે મળેલી ૨૬માંથી ૨ ઓછી), કર્ણાટક (૧૬, ૨૦૧૪ની સરખામણીમાં ૧ ઓછી), મધ્ય પ્રદેશ (૨૪, ગત વખતની સરખામણીમાં ૨ ઓછી), મહારાષ્ટ્ર (૩૬, ૨૦૧૪માં મળેલી ૨૩થી ૧૩ વધુ), ઓડિશા (૧૨, ગત વખતે ૧ બેઠક મળી હતી) અને રાજસ્થાન (૨૦, ૨૦૧૪ની સરખામણીમાં ૪ ઓછી) મળી શકે છે.

(10:17 am IST)