Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પાકિસ્તાન બેહાલીના દ્વારેઃ ઇમરાન ચિંતાતુર

 પાકિસ્તાનઃ આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના મિત્ર સાઉદી અરબ પાસેથી મોટી મદદ મળી રહી છે. ઇમરાન ખાન સરકારની અત્યારે સૌથી મોટી ચિંતા મુદ્રા એટલે કે ચલણની અછત છે. સાઉદી અરબે આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનને જબરદસ્ત મોટું રોકાણ પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તેના કેટલાંય મહત્વપૂર્ણ સહયોગી ઇસ્લામાબાદની મુલાકાત ટૂંક સમયમાં જ કરવાના છે. પાકિસ્તાનનું વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઇમરાન ખાન અત્યાર સુધીમાં બે વખત રિયાદની મુલાકાતે જઇ આવ્યા છે. ઇમરાન કેટલાંય મુશ્કેલી દેશોનો પ્રવાસ કરી ચૂકયા છે, જેમાં કતાર અને તુર્કી પણ સામેલ છે. આર્થિક સંકટ સુધારવા માટે ચીન પાસેથી પણ મદદની કોશિષ કરી રહ્યા છે. લાગે છે કે હવે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની ચિંતાની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.  સાઉદીનું રોકાણ રણનીતિક રીતે મહત્વપૂર્ણ

 ચીનના મહત્વકાંક્ષી પ્રોજેકટ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગ્વાદર પોર્ટ છે. અરબ સાગરની પાસે આવેલા ગ્વાદર પોર્ટમાં સાઉદી અરબ ૧૦ બિલિયન ડોલરનું મોટું રોકાણ રિફાઇનરી અને તેલ કોમ્પ્લેકસમાં કરવા જઇ રહ્યું છે. ચીન અને પાકિસ્તાન માટે આ ગ્વાદર પોર્ટ રણનીતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત-ઇરાનના ચાબહાર પોર્ટથી ગ્વાદર પોર્ટ બહુ દૂર નથી. ચાબહાર પોર્ટ દ્વારા ચારેય બાજુ જમીનથી દ્યેરાયેલ (લેન્ડલોકડ સ્ટેટ) દેશ અફઘાનિસ્તાન દ્વારા ભારત માટે એક નવો રસ્તો ખુલી રહ્યો છે. સાથો સાથ આ રસ્તો ખૂલ્યા બાદ ભારતને પાકિસ્તાનના રસ્તે પસાર થવાની જરૂર પડશે નહીં.

વૈશ્વિક સ્તર પર પણ પાકિસ્તાનના કથળેલા અર્થતંત્રની સ્થિતિ અને નબળા શેરો પર રિયાદના મોટા રોકાણથી મદદ મળી શકે છે. મિડલ ઇસ્ટમાં સાઉદી અરબ અને સંયુકત અરબ અમીરાત પાકિસ્તાનના સૌથી મોટા સહયોગી છે. બંને દેશો એ પાકિસ્તાનના પીએમને ૩૦ બિલિયન ડોલરની આર્થિક મદદ રોકાણ અને લોન તરીકે આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

(3:35 pm IST)