Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રાજીવ ગાંધીની 'ફોર્મ્યુલા'થી જ કોંગ્રેસને પછાડવા મોદીનો પ્લાન

રાજીવે જે 'હથિયાર' વિપક્ષો ઉપર વાપર્યુ હતું તે જ હવે મોદી વાપરી રહ્યા છેઃ 'મિલાવટી ગઠબંધન'... 'ખીચડી સરકાર'ના નારાથી પ્રહાર

નવી દિલ્હી તા. ૧૧ :.. રાજકીય સમય ચક્રમાં એવું ઘણીવાર બને છે કે પરિસ્થિતીઓ સરખી હોય પણ વ્યકિત બદલાઇ ગઇ હોય લોકસભા ચૂંટણી ર૦૧૯ ની છે પણ રાજકીય પરિસ્થિતી ૧૯૮૦ ના દાયકાની રાજકીય  સ્થિતી જેવી બની રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર વિરોધ પક્ષો પર હૂમલો કરવા એ જ હથિયારો વાપરી રહી છે, જેના વડે તે ઘણી વાર હારી ચુકી છે. ઇકોનોમીકસ ટાઇમ્સમાં છપાયેલા એક લેખ અનુસાર આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે વડાપ્રધાન મોદી એજ ફોર્મ્યુલા અપનાવી રહ્યા છે. જે કયારેક પોતાના વિરોધીઓ સામે રાજીવ ગાંધીએ ઉપયોગ કર્યો હતો. જે રીતે રાજીવ ગાંધી વિરૂધ્ધ બધા વિરોધ પક્ષો એક થઇ ગયા હતા અને વધુમાં બોફોર્સ કૌભાંડથી રાજકીય ગરમાવો વધેલો હતો લગભગ એજ સ્થિતિમાં અત્યારે મોદી ઉભા છે.

એક છત્ર નીચે ઉભેલા તમામ વિરોધી દળો સામે હૂમલો કરવાની રીત રાજીવ ગાંધીએ પોતાની માતા ઇંદીરા ગાંધી પાસેથી શીખી હતી. ૧૯૭૭ માં જયારે જનતા પક્ષની સરકાર બની ત્યારે ઇંદીરાએતેને ખીચડી સરકાર  કહી હતી. તે વખતે લોકસભા ચૂંટણીમાં ઇંદીરાએ પ્રચારમાં વારંવાર કહ્યું હતું કે જોડાણ વાળી સરકાર કરતા એક પક્ષને મળેલ બહુમતી વધારે સારી છે. ૧૯૮૦ માં ઇંદીરા ગાંધીનો નારો હતો કે ચૂંટો એવાને જે સરકાર ચલાવી શકે. આ જ વાત રાજીવ ગાંધીએ દોહરાવી હતી અને આજે વડાપ્રધાન મોદી તમામ વિરોધા ભાસો છતાં આ સુત્રનો ઉપયોગ કરી રહ્યા છે.

બજેટ સત્ર દરમ્યાન લોકસભામાં ભાષણ આપતા મોદીએ મજબૂત સરકાર ચૂંટવાની વાત કરી હતી. તેમણે 'મલાવટી ગઠબંધન' નું નામ આપીને ગઠબંધનનો વિશ્વ સનિયતાને કઠેડામાં ઉભો કરી દીધો છે જે રીતે પોતાના વિરોધીઓને ઇંદીરા અને રાજીવ ગાંધીએ કર્યુ હતું. કાલે જે જગ્યાએ કોંગ્રેસ હતી ત્યાં આજે ભાજપા છે. અને ભાજપાની જગ્યાએ કોંગ્રેસ છે. (પ-૧૬)

(11:25 am IST)