Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સરકારી મહેમાન

બ્યુરોક્રેસીમાં મેશ અને કુંભ રાશિનું વર્ચસ્વ; રાજ્યનું વહીવટી તંત્ર વધુ યુવાન બન્યું છે

ગુજરાતમાં મોદીએ બનાવેલો રેકોર્ડ ત્યારે તૂટશે જ્યારે લોકસભાની બેઠકો 26 થી વધી 33 થાય : કોંગ્રેસના કરમ ફુટેલા છે, દરેક ચૂંટણીમાં કોઇને કોઇ મજબૂત કેન્ડિડેટ ભાજપમાં જોડાઇ જાય છે : ગુજરાતમાં બાહુબલી તરીકે મોદીનો ચહેરો હશે, પ્રદેશ લિડરોએ PM ના ગુણગાન જ ગાવાના છે

ગુજરાત સરકારમાં આમ તો 62 આઇએએસ ઓફિસરોની ઘટ છે, કારણ કે ભારત સરકારે મંજૂર કરેલી 313ની ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થની સામે 251 આઇએએસ ઓફિસરો હાલ ફરજ બજાવે છે. આ ઓફિસરો પૈકી 20 નવી દિલ્હી અને અન્ય જગ્યાએ ડેપ્યુટેશન પર ગયેલા છે અને 9 ઓફિસરો મસૂરીમાં ટ્રેનિંગ લઇ રહ્યાં છે. આ ઓફિસરોમાં ખાસિયત એવી છે કે 42 આઇએએસના નામ અંગ્રેજી શબ્દ A (એ) પરથી શરૂ થાય છે. એટલે કે મેશ રાશિના ઓફિસરો ગુજરાતમાં સૌથી વધારે છે. જેમાં L (એલ) અને I (આઇ) શબ્દ જોડીએ તો તે સંખ્યા 47 પર પહોંચી જાય છે. બીજો ક્રમ S (એસ) એટલે કે કુંભ રાશિનો આવે છે. આ મૂળાક્ષર ધરાવતા ઓફિસરોની સંખ્યા 37 છે. કુંભ રાશિમાં એક ગુજરાતી મૂળાક્ષર G (જી) જોડીએ તો સંખ્યા 46 થવા જાય છે. તુલા રાશિ એટલે કે R (આર) પરથી શરૂ થતાં નામની સંખ્યા 30 છે પરંતુ રાશિ પ્રમાણે તેમાં T (ટી) જોડવામાં આવે તો તે સંખ્યા 34 થાય છે. જ્યારે M (એમ) એટલે કે સિંહ રાશિના ઓફિસરોની સંખ્યા 26 જોવામાં આવી છે. I (આઇ) શબ્દથી શરૂ થતું એકમાત્ર નામ આઇકે પટેલ છે, જ્યારે O (ઓ) પરથી ઓમ પ્રકાશ છે. U (યુ) નામના માત્ર બે ઓફિસરો છે જેમના નામ ઉદીત અગ્રવાલ અને ઉત્સવ ગૌતમ છે. Y (વાય) નામના પણ બે ઓફિસરો છે જેમના નામ યોગેશ નિરગુડે અને યોગેશ ચૌધરી છે. બ્યુરોક્રેસીમાં બીજી મહત્વની બાબત એવી છે કે તે સૌથી વધુ યુવાન બની છે. ગુજરાતના 65 ટકા ઓફિસરો યંગ છે અને તેમને બહુ લાંબી ઇનિંગ્સ રમવાની છે.

કોંગ્રેસે જેમને ઝિરો ગણ્યા તે ભાજપમાં હિરો બન્યા...

ગુજરાતમાં કોંગ્રેસે જેમને કંકર સમજીને ફેંકી દીધા હતા તે નેતાઓ ભાજપમાં જઇને હિરો બન્યા છે. ગુજરાતીમાં કહેવાય છે કે ઘર કી મુરઘી દાલ બરાબર.. એ કહેવત કોંગ્રેસને એટલા માટે સેટ થાય છે કે પાર્ટીએ જેમને યોગ્ય પ્લેટફોર્મ આપ્યું નથી તેવા નેતાઓને ભાજપમાં બહુ માન મળ્યું છે. આ માન તેઓ કોંગ્રેસ છોડીને આવ્યા છે તેટલા માટે નહીં પરંતુ તેમની પાછળ બહુ મોટી વોટબેન્ક છૂપાયેલી છે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જાણે છે. અમિત શાહ ગુજરાતમાં 2002થી કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો અને નેતાઓ ઉપર નજર રાખીને બેઠાં છે. પ્રત્યેક ચૂંટણીમાં અમિત  શાહે કોંગ્રેસના મજબૂત ચહેરાઓને ભાજપમાં સામેલ કર્યા છે.  શંકરસિંહ વાધેલા જેવા પીઢ નેતાને કોંગ્રેસ સાચવી શકી નહીં તે સૌથી મોટી નબળાઇ હતી, કેમ કે જો તેમને ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ બનાવી દીધા હોત તો આજે ગુજરાતમાં કોંગ્રેસ રાજ કરતી હોત. કોંગ્રેસે તેમના ખમતીધર પાટીદાર ચહેરા-- વિઠ્ઠલ રાદડિયા તેમના પુત્ર જ્યેશ રાદડિયા, નરહરિ અમીન, સૌરાષ્ટ્રના કોળી નેતા કુંવરજી બાવળિયા અને પાટીદાર નેતા ડો. આશા પટેલને તાજેતરમાં ગુમાવ્યા છે. ભાજપે આ નેતાઓને લઇ કોંગ્રેસની સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની મોટી વોટબેન્ક કબ્જે કરી છે. આશા પટેલ પછી હજી પણ જો કોંગ્રેસ સમજી નહીં શકે તો લોકસભાની ચૂંટણી આવતા પહેલાં કોંગ્રેસના પાંચ થી સાત ધારાસભ્યો રાજીનામાં આપી શકે તેમ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા બલવંતસિંહ રાજપૂત આજે ધારાસભ્ય નથી પરંતુ કેબિનેટ મંત્રીનું પદ હોય તેવી જાહોજલાલી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં ભોગવે છે. કોંગ્રેસના બાવળિયાને કુંવરજીની જેમ ભાજપ કેબિનેટ મંત્રી તરીકે સાચવે છે. મતલબ એ થયો કે કોંગ્રેસમાં ઝીરો ઇમેજ ધરાવતા શક્તિશાળી નેતાઓ ભાજપનો ખેસ પહેરીને ભાજપના કાર્યકરો અને આગેવાનો પર રાજ કરી રહ્યાં છે.

લોકસભામાં ટિકીટ માટે કહીં ખુશી, કહીં ગમ...

લોકસભાની 2019ની ચૂંટણી ઘણાં રાજકીય નેતાઓને રડાવી શકે છે અને ઘણાં નેતાઓને ખુશ કરી શકે છે. સૂત્રો કહે છે કે ભાજપના 26 પૈકી 12 થી 15 સંસદસભ્યોને ઘરે બેસવાનો વારો આવી શકે છે. તેવી જ રીતે 2014ની ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના ચૂંટણી હારી ગયેલા 50 ટકા ઉમેદવારો બદલવાનું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે. બન્ને પાર્ટીઓ અત્યારે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવાના મૂડમાં છે પરંતુ આખરી પસંદગી તો બન્ને પાર્ટીનું હાઇકમાન્ડ કરતું હોય છે. 2014માં ઉમેદવારો મોડાં જાહેર થવાનું કારણ હાઇકમાન્ડ છે. છેલ્લી ઘડીએ હાઇકમાન્ડ ઉમેદવારો બદલતું હોય છે. કોંગ્રેસ અત્યારે ભલે કહેતી હોય કે અમે વહેલા ઉમેદવારો જાહેર કરીશું પરંતુ જ્યાં સુધી ભાજપના ઉમેદવારો જાહેર નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ તેના ઉમેદવારોને જાહેર કરવા માટે અક્ષમ છે. ગુજરાતમાં ભાજપ એક કે બે બેઠક પર કોઇ રાષ્ટ્રીય નેતાને ટીકીટ આપે તેવી પ્રબળ શક્યતા દેખાઇ રહી છે. રાજ્યની 26 પૈકી પ્રતિષ્ઠાભરી ગાંધીનગર લોકસભાની બેઠક પર કોણ આવશે તે કળી શકાતું નથી, કેમ કે પાર્ટી વર્તમાન સંસદસભ્ય લાલકૃષ્ણ અડવાણીને ટીકીટ ન પણ આપે તેવું બની શકે છે.

ગુજરાતમાં બાહુબલી કોણ બનશે? રૂપાણી કે મોદી

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બાહુબલી જેવા શક્તિશાળી લિડર તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉભરી આવ્યા હતા. તેમના છેલ્લી ઘડીના પ્રયાસને કારણે ભાજપ આજે સત્તામાં છે, બાકી જો મોદીએ ચૂંટણી પ્રચાર ન કર્યો હોત તો રાજ્યમાં કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો મળવાનો હતો. છેલ્લી ઘડીએ મોદીએ ભાજપને કારમી હારથી ઉગરતી બચાવી હતી. મોદી એ ભાજપના એકમાત્ર સ્ટાર કેમ્પેઇનર છે જેઓ ગુજરાતમાં તેમનો કરિશ્મા જાળવી રાખે છે. મોદી ગુજરાતમાં એક સભા કરે તો તેને રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે છે. મોદી જેવી લોકપ્રિયતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ધરાવતા નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને આશા છે કે 2014ની જેમ ગુજરાત 2019માં પણ 26 બેઠકો આપશે તેથી મોદીના ગુજરાતમાં પ્રવાસો વધી ગયા છે. સવર્ણો માટે 10 ટકા અનામત આપીને પાટીદારોને અંકે કર્યા પછી મોદીનું મિશન ઓબીસી (ઠાકોર સમાજ) અને આદિવાસી મતવિસ્તારો છે. ગુજરાતની પ્રત્યેક ચૂંટણીમાં પ્રદેશ એકમ અને સરકારને નરેન્દ્ર મોદી જ યાદ આવે છે, કારણ કે તેમની મદદ વિના ભાજપ ગુજરાતમાં સફળ થઇ શકે તેમ નથી. 2017ની જેમ 2019માં નરેન્દ્ર મોદીને જ ચૂંટણી પ્રચારની કમાન સંભાળવાની છે.

કોંગ્રેસ ક્યાં માર ખાશે, તે હાઇકમાન્ડ પણ જાણે છે...

ગુજરાતમાં કોંગ્રેસ માટે 9 નબળી બેઠકો છે. આ બેઠકોમાં કોંગ્રેસ સમય બગાડવા માગતી નથી, કેમ કે તે બેઠકો કોંગ્રેસને મળે તેવી કોઇ શક્યતા નથી. આ બેઠકોમાં મુખ્યત્વે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ભરૂચ, ગાંધીનગર, જામનગર, નવસારી, રાજકોટ, વડોદરા, સુરતનો સમાવેશ થાય છે. 2014ની લોકસભામાં ભાજપને 59.1 ટકા મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસને માત્ર 32.9 ટકા મતો મળ્યા હતા પરંતુ તમામ બેઠકો ભાજપને ફાળે હતી, કેમ કે ભાજપમાં વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદી હતા. આ વખતે થોડાં પાણી ઓસર્યા છે તેથી 26 બેઠકો ભાજપને મળશે તેવું તમામ સર્વે નકારે છે. કોંગ્રેસ શહેરી વિસ્તારની આઠ બેઠકો પર માર ખાશે, કેમ કે આ વિસ્તારોમાં કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારો પણ નથી. કોંગ્રેસનું ધ્યાન 17 બેઠકો પર કેન્દ્રીત થયેલું છે. આ 18 બેઠકોમાં જો પાર્ટીના નેતાઓ અને આગેવાનો મતભેદો કે મનભેદ ભૂલીને ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરશે તો કેટલીક બેઠકોમાં પરિણામ પલટાવી શકે છે. ગુજરાત કોંગ્રેસે તેના હાઇકમાન્ડ પાસે છેલ્લો અનુમાનિત રિપોર્ટ મૂક્યો ત્યારે તેમાં બાકીની 17 બેઠકોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અત્યાર થી જ આ નવ બેઠકોને ભૂલવા માગે છે અથવા તો ત્યાં રૂપિયા અને સમય ખર્ચ કરવા માગતી નથી. પાર્ટીના એક સિનિયર નેતાએ પણ કહ્યું છે કે અમારે શહેરી વિસ્તારની આ નવ બેઠકો જોઇતી નથી.

લોકસભામાં મોદીનો રેકોર્ડ કદી નહીં તૂટી શકે...

ગુજરાતમાં 1962ના વર્ષથી લોકસભાની ચૂંટણી યોજાય છે છતાં નરેન્દ્ર મોદીએ જે 26 બેઠકોનો રેકોર્ડ બનાવ્યો છે તે કોઇ પાર્ટી તોડી શકે તેમ નથી, કારણ કે તે છેલ્લી લિમિટ છે. પહેલી ચૂંટણી 1996માં થઇ હતી જેમાં કોંગ્રેસને 22 પૈકી 16 બેઠકો મળી હતી. 1967માં 24 બેઠકો પૈકી કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. 1971માં કોંગ્રેસને 24 માંથી 11 અને 1977માં કોંગ્રેસને 26માંથી 10 બેઠકો મળી હતી. એ સમયે બીએલડી 16 અને જનતા પાર્ટી એક બેઠક લઇ ગઇ હતી. 1980માં કોંગ્રેસને 25 અને જનતા પાર્ટીને એક બેઠક મળી હતી. 1984માં કોંગ્રેસને 24 અને ભાજપને પ્રથમવાર એક બેઠક મળી હતી. 1989માં જનતાદળને 11 અને ભાજપને 12 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકોથી સંતોષ લેવો પડ્યો હતો. 1991માં હિન્દુત્વનું મોજું હતું ત્યારે કોંગ્રેસને પાંચ અને ભાજપને 20 બેઠકો મળી હતી. 1996માં ભાજપને 16 અને કોંગ્રેસને 10 તેમજ 1998માં ભાજપને 19 અને કોંગ્રેસને સાત બેઠકો મળી હતી. 1999ની ચૂંટણીમાં ભાજપને 20 અને કોંગ્રેસને 6 તેમજ 2004માં ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠકો આવી હતી. 2009મા નજીવો સુધારો થતાં ભાજપને 15 અને કોંગ્રસને 11 બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાં પરિણામ પલટાવ્યું હતું. ગુજરાતના નેતા વડાપ્રધાનના ઉમેદવાર હોવાથી ગુજરાતે તમામ 26 બેઠકો ભાજપને આપી દીધી હતી. મોદીનો આ રેકોર્ડ કોઇ પાર્ટી તોડી શકશે નહીં. બંધારણમાં સુધારો થાય અને ગુજરાતને લોકસભાની 33 બેઠકો મળે તો વાત જુદી છે પરંતુ આ સુધારો કરવા માટે હજી 6 વર્ષની વાર છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:45 am IST)
  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • સુરત:પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાનો રાજદ્રોહ મામલે કાલે જામીન મેળવવા અંગે કોર્ટમાં થશે રીવીઝન અરજી પર સુનાવણી :સુરત કોર્ટે અલ્પેશના જામીન કર્યા હતા રદ્દ access_time 9:14 pm IST

  • ભાવનગર:મહુવા પંથકમાં દીપડાનો આતંક: એક જ દિવસમાં દીપડા દ્વારા બે હુમલા :માનવ પર હુમલો કર્યાના બે બનાવ :માલપરાની ઘટના બાદ લીલવણ ગામે હુમલો : ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા access_time 9:31 pm IST