Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

કાશ્મીર : સેનાના ઓપરેશનમાં ૫ ખતરનાક ત્રાસવાદીઓ ઠાર

ચોક્કસ બાતમી બાદ આઠ કલાકનું ઓપરેશન : ભીષણ અથડામણમાં સેનાના એક અધિકારી શહીદ થયા ત્રાસવાદીઓ ઠાર મરાતા લોકો દ્વારા જોરદાર પથ્થરમારો

શ્રીનગર,તા. ૧૦ : દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ મોટુ ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કાર્યવાહીમાં એક અધિકારી પણ શહીદ થયા હતા. આઠ કલાકથી પણ વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શનિવારે મોડી રાત્રે સેનાને કેલમ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિત મળી હતી. આ માહિતી મળ્યા બાદ સેનાની નવ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એસઓજીની ટુકડી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સની ટીમના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેલમ ગામમાં જોરદાર ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન બાદ બે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો. સવારે પાંચ વાગ્યાની આસપાસ આ ઓપરેશન શરૂ થયા બાદ છ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. અંતે સેનાએ આ બંને ઘરોને ફુંકી માર્યા હતા. આ કાર્યવાહીમાં મકાનમાં છુપાપેયા પાંચેય આતંકવાદીઓના મોત થયા હતા. સર્ચ વેળા તમામ ત્રાસવાદીઓના મૃતદેહ કબજે કરાયા હતા. વિસ્ફોટકો પણ મળ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીમાં એક મોસ્ટ વોન્ટેડ કમાન્ડર સામેલ હતો. જોકે પોલીસ અને સેનાએ આ સંદર્ભમાં હજુ સુધી કોઈ માહિતી આપી નથી. ત્રાસવાદીઓ ઠાર મરાયા બાદ વિરોધ પ્રદર્શનની શરૂઆત સ્થાનિકો દ્વારા કરાઈ હતી. સેનાની કાર્યવાહીને લઈને કેટલાક તોફાની તત્વોએ ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા માટે પથ્થરમારો કર્યો હતો. જોકે સીઆરપીએફના જવાનોએ તોફોની તત્વોને ખદેડવા ટીયરગેસના સેલ છોડ્યા હતા. જોરદાર પથ્થરમારાના કારણે સીઆરપીએફના ચાર જવાન ઘાયલ થયા હતા. તેમને કુલગામની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરમાં રવિવારના દિવસે ઓપરેશન બાદથી જ તંગદિલી ફેલાઈ રહી છે. અથડાણમન શરૂઆત થયા બાદ ઈન્ટરનેેટ સેવા બંધ કરાઈ હતી. ઉપરાંત બનિહાલથી બારામુલા વચ્ચેની રેલવે સેવા બંધ કરવામાં આવી હતી. હિંસાની સ્થિતિને ધ્યાનમાં લઈને સીઆરપીએફ અને પોલીસની વધારાની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી હતી.

(12:00 am IST)