Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અભિનેતા સોનુ સૂદને 13મી સુધી કોર્ટની વચગાળાની રાહત : બીએમસી બિલ્ડીંગમાં તોડફોડ નહીં કરી શકે

મુંબઈ : અભિનેતા સોનુ સૂદને 13 જાન્યુઆરી સુધી વચગાળાની રાહત અપાઈ છે. આ રાહત સોનુ સૂદની બિલ્ડીંગ પર બીએમસીની કાર્યવાહીને લઈને અપાઈ છે. હવે બીએમસી 13 જાન્યુઆરી સુધી સોનુ સૂદની બિલ્ડીંગમાં તોડફોડ નહીં કરી શકે. સોનુ સૂદને બીએમસી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. દિંડોશી સિટી સિવિલ કોર્ટે આ નોટિસ સામે સોનુની અરજી નામંજૂર કરી હતી. આ જ નિર્ણય સામે સોનુ સૂદે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. બીએમસીએ સોનુ સૂદના રહેણાંક મકાન અંગે બે નોટિસ ફટકારી હતી. જેમાં એક નોટિસ ગેરકાયદેસર બાંધકામ સાથે સંકળાયેલી હતી. તે જ સમયે બીજી સૂચના બિલ્ડિંગના ‘ઉપયોગના હેતુ’ (વપરાશકર્તાના પરિવર્તન) બદલવા વિશે હતી.

બીએમસી તરફથી હાજર વકીલ અનિલ સાખરેએ દલીલ કરી હતી કે “નોટિસ સામે સોનુ સૂદની અરજીને ફગાવી, નીચલી કોર્ટે હાઈકોર્ટમાં જવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ સમય શનિવારે સમાપ્ત થયો. અંતિમ ઘડીએ કોર્ટ પહોંચ્યા બાદ રાહત માંગવામાં આવી હતી.” સાખરેએ એમ પણ કહ્યું હતું કે BMCને યોગ્ય રીતે નોટિસ અપાઈ નથી. સાખરેએ જણાવ્યું હતું કે શનિવાર, રવિવારે મ્યુનિસિપલ કચેરીઓ બંધ છે. અખબારો અને ટેલિવિઝન દ્વારા અમને ખબર પડી કે આ મામલાની આજે (સોમવારે) સુનાવણી થવાની છે.” સાખેરેના જણાવ્યા અનુસાર તેમની ટીમ હજી સુધી તમામ દસ્તાવેજો તૈયાર કરી શકી નથી. જેથી કોર્ટને ખાતરી આપી શકાય કે સોનુને મોકલેલી નોટિસ કાયદેસર રીતે યોગ્ય કેમ છે.

(10:45 pm IST)