Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

નવ રાજ્યોમાં પુષ્ટીની સાથે દેશમાં બર્ડ ફ્લૂનું સંકટ ઘેરાયું

કાનપુરના પક્ષીઘરમાં મરેલા પક્ષીનાં સેમ્પલ પોઝિટિવ : દિલ્હી, મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટી : એમપી, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ, હરિયાણા, કેરળમાં મામલા સામે આવ્યા

નવી દિલ્હી, તા.૧૧ : દેશમાં બર્ડ ફ્લૂનો સંકટ વધી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશના કાનપુરના ચિડિયાઘરમાં મરી ગયેલા પક્ષીઓના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જ્યારે દિલ્હી અને મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ છે. ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરળમાં બર્ડ ફ્લૂના મામલા સામે આવી ચૂક્યાં છે.

મહારાષ્ટ્ર પશુપાલન કમિશનર સચિન્દ્ર પ્રતાપસિંહે કહ્યું કે રાજ્યમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. બર્ડ ફ્લૂનો ફેલાવો રોકવા માટે પરભણી અને લાતુરના કેન્દ્રોથી એક કિલોમીટરના ત્રિજ્યાની અંદર પક્ષીઓને મારવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ પશુપાલન વિભાગે અનેક સાવચેતીના પગલા ભર્યા છે. લોકોને ઝૂ અને પક્ષી અભયારણ્યમાં જવાથી બચવાની અપીલ કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, પક્ષીઓના સંપર્કમાં આવવાથી બચે. પ્રશાસનને કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પક્ષીની અપ્રાકૃતિક મોતની જાણકારી આપવામાં આવે.

સાથે   પંજાબમાં ગુરૂ અંગદ દેવ વેટરનરી એન્ડ એનિમલ સાઈન્સ યુનિવર્સિટીએ રવિવારે પોલ્ટ્રી ખેડૂતો અને ચિકન ખાનારાઓ માટે એક એડવાઈઝરી રજૂ કરી છે.

ઉપરાંત ગુજરાતમાં બારડોલીના મઢીમાં મળેલા મૃત કાગડાનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મઢી ખાતે પાંચ દિવસ પૂર્વે પાંચ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતાં.જેથી પશુપાલન વિભાગે મૃત કાગડાઓનાં સેમ્પલ લઈને પરીક્ષણ માટે ભોપાલ સ્થિત લેબોરેટરી ખાતે મોકલ્યાં હતાં. જેમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. જ્યારે વડોદરામાં બર્ડ ફ્લૂની દહેશત છે. રિલાયન્સ ટાઉનશીપમાંથી મોર મૃત હાલતમાં મળી આવ્યાં હતા. જ્યારે કરજણમાં ૫૪ કબૂતર મૃત મળી આવ્યાં છે. સિંધરોટ ગામે ૩૦ મરઘાના મોત થયા છે.

(7:25 pm IST)