Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ચોટીલા પંથકમાં સ્થાપત્યકલા - આધ્યાત્મિકતાના સંગમ સમાન ૯૦૦ વર્ષ જુનું જળાશય

મિનળવાવ : ધાંધલપુરમાં ધબકતો ઇતિહાસ

૧૨મી સદીમાં સિધ્ધરાજ જયસિંહના માતા મિનળદેવીએ વાવ બાંધી : છ મજલાની કલાત્મક વાવ : આજે પણ વાવના જલ પર શ્રધ્ધા : વાવની સફાઇ કરાવીને જલનો ઉપયોગ થવો જરૂરી : સૌરાષ્ટ્રમાં રહેલી આવી પ્રાચીન અને ઐતિહાસીક જગ્યાઓનું રક્ષણ થવું જરૂરી : આવા સ્થાનો અંગે રિસર્ચ કરી ઇતિહાસને લોકપ્રિય બનાવો જોઇએ

મિનળ વાવની મુલાકાતે ગયેલા 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ઉદ્યોગકાર શૈલેષભાઇ ઠક્કર સાથે 'અકિલા' પરિવારના ચિ. ધન્વી નિમિષભાઇ ગણાત્રા નજરે પડે છે. (તસ્વીરો : ધન્વી ગણાત્રા)

રાજકોટ તા. ૯ : ભારતિય સંસ્કૃતિને ઉજાગર કરતી અને પ્રાચિન ભવ્યવારસાના સ્થાપત્યો આજે પણ મુકસાક્ષિ બની અડિખમ ઉભા છે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને દેવકો પંચાલ તરીકે ઓળખવામાં આવે છે. સાયલા તાલુકાના ધાંધલપુર ગામે છમજલાની પ્રાચિન મિનળવાવ આજે પણ પ્રાચિન વારસો, કલાકૃતિની પ્રિતિતી કરાવે છે. પ્રવાસીને મુલાકાત કરવા માટે ધાંધલપરનો રસ્તો નેશનલ હાઇએ ૮એ સાથે જોડાયેલો છે. ખુબજ અનુકુલ છે નેશન હાઇવે ઉપર સાયલા અને ચોટીલા વચ્ચે હડાળા ગામનુ પાટીયું આવે છે. તેનું અંતર કહીએ તો ચોટીલાથી-૧પ કી.મી. અંતરે અને સાયલાથી ર૦ કી.મી.ના અંતરે તે હડાળા બોર્ડનું પાટીયું આવે છે ત્યાંથી ૧ર કી.મી.ના અંતરે ધાંધલપુર ગામ આવેલું છે. પ્રાચિન સ્થાપત્ય અને રાજયસતાનો ઘણા પરિર્તનને નિહાળી આજે ગામમાં પશ્ચિમના પાદરમાં એક પ્રાચિન મિનળવાવ અને નાથ સંપ્રદાયના એક સિદ્ધપુરૂષ ધુંધળીનાથની ચમત્કારીક અને અલૌકિક ગાથા સંઘરીને બેઠેલી ૧૮ ટનના પથ્થરમાંથી બનાવેલ મૂર્તિના દર્શન કરી પ્રવાસી આનંદની લાગણી અનુભવે છે  તે કથાને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ પણ સૌરાષ્ટ્રની રસધારમાં આલેખન કરેલું છે.

'અકિલા'ના મોભી શ્રી કિરીટકાકા અને જાણીતા ઉદ્યોગપતિ શૈલેષભાઇ ઠકકર સાથે હું પણ પ્રવાસમાં જોડાયો અને આ સ્થાપત્ય વિશે સમજ આપવા પ્રયાસ કર્યો.

આ ધાંધલપુરની 'મીનળવાવ' ના સ્થાપત્ય વિશે વાત કરતા પહેલા આપણા ગ્રંથોમાં લખેલ સ્થાપત્યની પરીપાટી એટલે પધ્ધતિ અને પ્રકાર વિશે પ્રાથમીક સમજ આપવાનો પ્રયાસ કરીશ જે જિજ્ઞાશું લોકોને ગમશે તેનો મને પૂર્ણ વિશ્વાસ છે.

સ્થાપત્યના પ્રકારમાંંથી એક પ્રકાર આવે છે. નાગરીક સ્થાપત્યનો નાગરીક સ્થાપત્યમાં ગ્રામ રચના, નગર રચનામાં મહેલો, દુર્ગ, જળાશય વિગેરે નાગરીક સ્થાપત્યની પરીપાટીમાં આવે છે. નાગરીક પરિપાટીના વિભાગમાં જલાશયોમાં જોઇએ તો જેને ચારે બાજુથી બાંધવામાં આવે છે તેને સરોવર કહેવામાં આવે છે, જયારે વચ્ચે મધ્યમાં કુપ અથવા કુવો હોય અને ચારે બાજુથી જલસ્ત્રોત સુધી પહોંચવા માટે પગથીયા હોય તેન ેકુંડ કહેવામાં આવે છે. તેમ વાવ પણ નાગરીક સ્થાપત્યની રચના પણ વિશિષ્ટ પ્રકારની છે વાવ હંમેશા લંબચોરસ હોય છે. એક બાજુમાં છેડે કુવો હોય છે અને બીજા છેડે જલ સુધી પહોંચવા માટે પગથીયા હોય છે કારણ કે સહેલાયથી ઉતરી શકાય છે. આવા પ્રકારની વાવો મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનમાંં જોવા મળે છે. તો આ ધાંધલપુરની વાવ લંબચોરસ છે, એકછેડે કુવો છે અને બીજે છેડે પગથીયા છે.

આપણને એવો પ્રશ્ન થાય છે કે આ વાવ બાંધવાનું કારણ શું...? અહિ શા માટે...? કોણે બનાવી હશે...? પણ ગુજરાત - રાજસ્થાનનો પ્રદેશ પ્રાચીન સમયથી વેપાર વણજ સાથે સંકળાયેલો છે. માલધારી વણજારાની પોઠો એક સ્થળેથી બીજે સ્થળે નિરંતર સ્થળાંતર કરતી હતી. આ વેરાન પ્રદેશમાં સ્થાને સ્થાને પીવાનું મીઠું પાણી મળી રહે એ માટે અનેક નિર્જન સ્થળોએ તેમજ ગામના ગોંદરે ઠેરઠેર વાવો બંધાયેલી જોવ મળે છે. જો કોઇ વાવનાં બાંધનારની માહિતી ન મળે તો તે વાવ વણજારાનાં નામે ચડી જતી હોય છે. છતાં પણ ઘણી વાવો વણજારાઓએ પણ બંધાવેલી હોય શકે. વાવો બાંધવાનું કારણ એટલે વેપાર વાણિજય માટે ધોરી માર્ગ પર અમુક અંતરે જળાશયો બંધાતા, આવા કાર્ય સાર્વજનિક પરમાર્થ માટે અને પુણ્યપ્રદ પણ કહેવાતું.

ધાંધલપુરની વાવ આજે પણ મિનળ વાવ તરીકે ઓળખાય છે, માટે આ વાવ મિનળ દેવીએ બંધાવેલ છે વાત નકકી છે. ગુજરાત પતિ સિધ્ધરાજ જયસિંહનાં માતા મિનળદેવીનું હૃદય પરમાર્થિ, દયાળુ અને ધર્મનિષ્ઠ હતું તેમનાં હસ્તે આવા ઘણાં જળાશયો બંધાયેલા જોવા મળે છે. આ વાવ મિનળદેવીએ જ બંધાવેલ છે તો આ વાવનો સમય ૧ર મી સદીનો કહી શકાય એટલે કે આશરે સાડીઆઠસો વર્ષ પહેલાની આ વાવ ગણી શકાય. આ વાવ ધાંધલપુરમાં જ શા માટે એ પ્રથમ થાય તો એક માન્યતા એવી છે કે કોઇ સિધ્ધ મહાત્માએ મિનળદેવીને આશિર્વાદ આપેલ કે તારે એક પુત્ર રત્નનો જન્મ થશે અને તેમને એક પુત્ર થયો તે સિધ્ધરાજ જયસિંહ. આ પુત્રની યાદગીરીમાં આ વાવ બંધાવી તેવી એક માન્યતા છે. અને બોમ્બે ગેજેટમાં ઉલ્લેખ પણ છે. તે પ્રબલ પુરાવો છે. અહીં જ સિધ્ધ મહાત્મા મળેલ.

બીજુ કારણ જોઇએ તો અંગ્રેજ અમલદાર વોટસન સાહેબ અને ગેઝેટની નોંધ પ્રમાણે એવી માહિતી મળે છે કે પાટણથી જુનાગઢ જવા માટે એક ધોરી માર્ગ હતો, તે માર્ગ પાટણથી મોઢેરા, વિરમગામ, વઢવાણ, સાયલ, સંજકપર, ધાંધલપુર, ચોબારી, આણંદપુર, સરધાર, ગોંડલ, વિરપુર, જેતપુર થઇ ને જુનાગઢ જતો. માટે વચ્ચેના અમુક અંતરે આવા જળાશયોની જરૂર પડે તે સ્વાભાવિક છે.

ગુજરાત - રાજસ્થાનમાં બાંધવામાં આવેલી વાવો ઘણે ભાગે ચુનાની છે. એમાંની કેટલીક પથ્થરની પણ બાંધેલી છે. તેમાં આ ધાંધલપુરની વાવ પથ્થરની બાંધેલી આ વાવમાં ચોકકસ કદનાં પગથિયા ધીમે ધીમે પાણીની સપાટી સુધી પહોંચવા માટે બાંધવામાં આવેલા છે. પગથિયા ઉતરનારને શ્રમ ના પડે માટે અંતરે અંતરે નાના મોટા કદના પડથાર બાંધવામાં આવેલ છે. એમ વાવની પરિપાટીમાં ત્રણ-ચારથી નવ-નવ પડથાર સુધીની યોજના હોય છે, આ વાવમાં દીવાલને અઢેલીને ભીંતા સ્થંભો તથા વચમાં છૂટાં સ્તંભો પર ટેકવેલ એક પછી એક છ મજલાની રચના જોવા મળે છે, પણ અત્યારે ત્રણ મજલા બહાર સ્પષ્ટ જોય શકાય છે જયારે ત્રણ મજલા પાણીમાં ડૂબેલા છે. સ્થાપત્યની પરિભાષામાં આ મજલા (માળ) ને 'કૂટ' પણ કહેવામાં આવે છે.

શાસ્ત્રગ્રંથોએ વાવના ચાર પ્રકાર ગણાવ્યા છે. એમાં એક મુખ એટલે એક બાજુથી પગથિયા હોય તેને એક મુખ કહેવામાં આવે છે. જે વાવને એક મુખ અને ત્રણ ફુટ (મજલા હોય તે વાવને 'નંદા' કહેવામાં આવે છે. પણ આ બંધારણ બધી વાવોમાં જોવા મળતું નથી તો આ ધાંધલપુરની વાવને મુખની દ્રષ્ટિએ જોઇએ તો એક મુખ છે એટલે નંદા પ્રકારની વાવ કહી શકાય.

જે વાવને બે મુખ અને છ મજલા હોય તેને 'ભદ્રા' કહેવામાં આવે છે. જે વાવને ત્રણ મુખ અને નવ મજલા હોય તેને 'જયા' કહેવામાં આવે છે અને જે વાવને ચાર મુખ અને બાર મજલા હોય તેને 'વિજયા' કહેવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે એકમુખી 'નંદા' પ્રકારની વાવો વિશેષ જોવા મળે છે. કાટખૂણા ઘાટની વાવોમાં એક સુંદર અલંકૃત વાવ મોડાસામાં છે.  ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃલ વાવો જળવાઇ રહી છે તેમાં સૌથી પ્રાચીન વાવ રાણી ઉદયમતિની છે. આ વાવ 'રાણકીવાવ' તરીકે પ્રસિધ્ધ છે. જયારે ધાંધલપુરની વાવમાં શિલ્પનાં  ઓછા જોવા મળે છે.

મિનળ દેવીનાં બંધાવેલા સરોવર, કુંડ અને વાવોમાં જોઇએ તો નડિયામાં ડૂમરાળ ભાગોમાં આવેલી ચાર મજલાની વાવ મીનળદેવીએ વિ. સ. ૧૧પરમાં બંધાવી હોવાનું મનાય છે, તે ઉપરાંત ઉમરેઠની સાત માળની ભદ્રકાળી વાવ પણ મીનળ દેવીએ બંધાવેલી છે. તે ઉપરાંત અન્ય વાવો જોઇએ તો કપડવંજના તોરણ પાસે દટાય ગયેલ વાવ સિધ્ધરાજે બંધાવી હોવાનું મનાય છે.

વઢવાણ પાસે ખેરાળાની વાવ પરમાર રાજા જગદેવના મંત્રી કરણે વિ.સં. ૧૩૧૯ માં બંધાવેલ છે. તેમજ બનાસકાંઠામાં બાપડ ગામમાં પથ્થરની બનાવેલી સુંદર પાંચ મજબાની પ્રાચીન વાવ જોવા મળે છે, વઢવાણમાં ગંગા અને માધા વાવ તેમજ ચોટીલા તાલુકાના ચોબારી ગામે જિર્ણ થઇ ગયેલ ચોમુખી વાવ જોવા મળે છે.

આ ધાંધલપુરની વાવ આજની પરિસ્થિતીએ જોઇએ તો આ વાવના પવિત્ર જળ ઉપર ગામનાં સ્થાનિક લોકો ખુબ જ શ્રધ્ધા ધરાવે છે. પણ આ જળનો જો વપરાશ શરૂ થાય તો પાણીની  શુધ્ધતા પણ જળવાઇ રહે તેમ છે. અત્યારે તેને સાફ કરવાની ખાસ જરૂર છે.

એમ કહેવાય છે કે ધુંધળીનાથનો એક શિષ્ય સિધ્ધનાથ હતો તે ચિતોડના રાણાનો પુત્ર હતો. એક દિવસ ધૂંધળીનાથ તપસ્યા કરવા નિકળે છે અને પ્રેહપાટણમાં પોતાનાં શિષ્યને આદેશ આપે છે કે હું આવું ત્યાં સુધી નમો ભિક્ષાવૃતિ કરી અન્નક્ષેત્ર મલાવજો (ઢાંકનું પૂર્વ નામ પ્રેહપાટણ હતું)  પ્રેદપાટણમાં  નાથસંપ્રદાયના અણગમાને કારણે સિધ્ધમાથને કોઇ ભિક્ષા આપતું નથી ત્યારે સિધ્ધનાથ લાકડા ભારા વેચી ગુજરાન ચલાવે છે, ભારા માથા ઉપર ઉપાડી ઉપાડીને માથામાં જીવાંત પડી ગઇ છે. અસહ્ય વેદના છે છતાં આ રાજબીજનો સાધુ લોકોને આશિર્વાદ જ આપે છે. હાં એક કુંભારની ડોશી રોટલા ઘડી આપતી.

સમય જતાં ધૂંધળીનાથ પ્રેહપાટણ આવે છે અને સિધ્ધનાથના માથામાં દૂર્ગંધ આવતી જોઇે બધી પરિસ્થિતિનો ખ્યાલ મેળવે છે, આ વાત જાણી ધૂંધળીનાથનાં રોમરોમમાં ક્રોધ વ્યાપી ગયો, મેળવેલ સિધ્ધીને જિરવી ન શકયા.  ક્રોધમાં સાધુતાના ક્ષમાનાં ગુણને વિસરાય ગયા અને ઉંડા શ્વાસ લઇ શબ્દ કાઢયાં જાનો 'પટ્ટન સો દ ટન માયા સો મિટ્ટી' બોલત હાથમાં રહેલુ ખપ્પર ઉંધુ વાળ્યું અને કહ્યું કે સિધ્ધનાથ આ ખપ્પર નિચે ૮૪ પાટણ ઢાંકયાઇ હવે તે પ્રલયના પ્રકોપથી બચી નહિ શકે સવારમાં અ પાટણ ધરતીમાં સમાય જશે, જા તારી ડોશીને કહી દે રોટલા ઘડી આપતી તેને કે ગુરૂજીનો પ્રકોપ છે. જીવવું હોય તો ભાગવા માંડ અને પાછુવાળી જોતી નહિ, ધૂંધળીનાથના શબ્દોથી સવારમાં પ્રેદપાટનમાં પ્રકોપ શરૂ થયો અનેક બાલ-બચ્ચાની કારમી ચિચિયારીઓ સંભળાવા લાગી, કુંભારની ડોશી ભાગતી જાય છે પણ ઢાંકના સિમાડે આવતા તે કરૂણ અવાજ સાંભળતી ડોશીએ પાછુ વાળી જોયું ત્યાં તે ડોશી પણ પથ્થર બની ગઇ.

આ બાજુ નાથસંપ્રદાયનાં સાધૂને સમાચાર મળ્યા કે ધુંધળીનાથે સિધ્ધીઓનો દૂરઉપયોગ કરી લોકોનું અકલ્યાણ કર્યુ છે. સાધુના અખાડામાં રોષ ભભૂંક ઉઠયો છે. ધૂંધળીનાથની તમામ સિધ્ધિઓ પાછી ખેંચી લીધી અને પાછો ધૂંધળીનાથ ધૂંધો બની ગયો.

એક બાજુ રાજબીજનું પાત્ર સિધ્ધનાથને પસ્તાવાનો પાર નથી કે મારા ગુરૂજીએ આ શું કર્યુ રાતદિન સિધ્ધનાથને વ્યથા કોરી ખાય છે. ચેન પડતું નથી. તેમાં  ઢાંકના મહારાણી અને તેનો પુત્ર નાગાજણ જેઠવો આ પ્રલય સમયે પોતાના મોસાળ તળાજમાં હતા માટે બચી ગયેલા તે સિધ્ધનાથ પાસે આવે છે અને ક્ષમાં માગે છે, સિધ્ધનાથ રાહ જોઇને જ બેઠા હતાં કે કોઇપણ  માણસ ઢાંકમાં જીવીત મળે તો ફરીવાર આ નગરી વસાવું ત્યારે જ મારા સાધુ જીવનને શાંતિ મળશે. નાગાજણ જેઠવા અને માતાને જોતા જ સિધ્ધનાથની ખુશીનો પાર ન રહ્યો અને આશિર્વાદ ઉદગાર નિકળ્યાં બેટા નાગાજણ ચિંતા ન કરીશ. આ મારા ઉદગાર છે જો મારી તમામ સિધ્ધની પુણ્યબળથી કહું છું

'જૈસો લંકેશ તૈસો ઢંકેશ,દુશ્મન માર વસાવ દેશ.'

હે નાગાજણ જેવી રાવણની લંકા સોનાની હતી વૈભવ હતાં. તેવી જ સંપતી તારી ઢાંકની થશે જા. જેવો લંકાપતિ લંકેશ હતો તેવો મારો ઢાંકપતિ ઢંકેશ બનશે આ મારા આશિર્વાદ છે. આ શબ્દોથી પ્રલયમાં ગરકાવ થયેલ પ્રેહપાટણ ફરીવાર વસ્યુ અને તે આજે ઢાંક તરીકે ઓળખાય છે.

: આલેખન :

ભનુભાઇ ખવડ

મુ. સેજકપર, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર

બી.એ. ઇતિહાસ

પ્રવૃત્તિ : આધ્યાત્મિક, ઇતિહાસ, લેખન, સંશોધન, વકતા, કાવ્ય

(મો. ૯૪૨૭૬ ૬૮૦૬૯)

: સહયોગ :

શૈલેષભાઇ ઠક્કર

મુ. સરા (થાન), જાણીતા અગ્રણી

મો. ૯૮૭૯૫ ૨૨૧૨૨

: તસ્વીર : ધન્વી એન. ગણાત્રા

અકિલા - રાજકોટ

(4:05 pm IST)