Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દર મિનિટે ૨૫ થી ૩૦ લોકો જઇ રહ્યા છે શહેરો તરફ

મહામારીનો માર છતાં શહેરો તરફ ભાગી રહ્યા છે ગામડાના લોકો : વિશ્વ આર્થિક મંચના રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્‍હી,તા. ૧૧: કોરોનાનો સૌથી વધુ માર શહેરોને પડયો છે. તેમ છતાં સમૃધ્‍ધિના સપનાઓ સાકાર કરવા માટે શહેરો તરફ જઇ રહ્યા છે. દર મિનિટે ૨૫-૩૦ લોકો ગામડામાંથી શહેરોમાં જઇ રહ્યા છે. જીનીવા સ્‍થિત વિશ્વ આર્થિક મંચ (ડબલ્‍યુઇએફ)ના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

ડબલ્‍યુઇએફે કહ્યું છે કે કોરોના સંકટ પછી આર્થિક વૃધ્‍ધિના હિસાબો શહેરોની ભૂમિકા મહત્‍વપૂર્ણ રહેશે. કેમ કે દેશના જીડીપીમાં તેનું યોગદાન લગભગ ૭૦ ટકા છે.

ડબલ્‍યુઇએફ અનુસાર, ભારતના મોટા ભાગના મોટા શહેરોમાં આર્થિક વિષમતા બહુ વધારે છે અને ઝુંપડપટ્ટીની વસ્‍તી વધવાની સાથે જ શહેરી ગરીબ વસ્‍તી પણ મોટા પ્રમાણમાં વધી છે. ‘કોરોના મહામારી પછીની દુનિયામાં ભારતીય શહેરો' શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં કહેવાયું છે કે દેશમાં પડકારો મહામારી પછી વધારે વધી ગયા છે.

રિપોર્ટ અનુસાર, શહેરી પરિવારોના ૩૫ ટકા એટલે કે લગભગ અઢી કરોડ પરિવારો મકાન લેવાની સ્‍થિતીમાં નથી. આ સમય એક નવું શહેરી પ્રતિમાન બનાવવાનો છે. જે શહેરોને સ્‍વસ્‍થ વધુ સમાવેશી અને સુદ્રઢ બનાવે.

(4:05 pm IST)