Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

નેશનલ સર્વેમાં ચોંકાવનારા તારણો

હાય...હાય... ગુજરાતમાં તમાકુ ખાતી મહિલાઓ વધી

પુરૂષોની સંખ્‍યામાં ૧૦.૩ ટકાનો ઘટાડો તો મહિલાઓની સંખ્‍યા ૧.૩ ટકા વધી

નવી દિલ્‍હી, તા.૧૧: તાજેતરમાં આવેલા નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે(NFHS)માં ગુજરાતની જે હકીકત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. રાજયમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્‍યા ઘટી છે પરંતુસ્ત્રીની સંખ્‍યા વધી છે. રિપોર્ટ મુજબ રાજયમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્‍યામાં ૧૦.૩ ટકાનો ઘટાડો આવ્‍યો છે. જયારે મહિલાઓની સંખ્‍યામાં ૧.૩ ટકાનો વધારો આવ્‍યો છે.

NFHSના વિગતવાર આંકડા સૂચવે છે કે ૨૦૦૫-૦૬માં ૬૦.૨ ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૫૧.૪ ટકા થયું હતું અને ૨૦૧૯-૨૦માં ઘટીને ૪૧.૪ ટકા થયું હતું. શહેરોમાં લગભગ ૩૩.૬ ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્‍તારોમાં ૪૬.૭ ટકા પુરુષોએ વર્ષ ૨૦૧૯-૨૦ના આંકડા મુજબ તમાકુનું સેવન કર્યું હતું. NFHS-IV (૨૦૧૫-૧૬) મુજબ શહેરોમાં ૪૬ ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્‍તારોમાં ૫૬.૨ ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું.

જોકે, મહિલા ગ્રાહકોનું પ્રમાણ માત્ર એક ટકા ઘટ્‍યું હતું. વર્ષ ૨૦૦૫-૦૬માં ૮.૪ ટકા મહિલાઓએ કોઈ પણ પ્રકારની તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૭.૪ ટકા અને ૨૦૧૯-૨૦માં ૮.૭ ટકા થયું હતું. NFHS-V મુજબ તમાકુનું સેવન કરનારી મહિલાઓની સંખ્‍યા ગ્રામીણ વિસ્‍તારોમાં ૧૧ ટકા અને શહેરી વિસ્‍તારોમાં ૫.૪ ટકા હતી. જોકે, NFHS-IV મુજબ ગ્રામીણ ગુજરાતમાં ૯.૧ ટકા મહિલાઓ શહેરી વિસ્‍તારોમાં ૫.૨ ટકાની સરખામણીમાં તમાકુનો ઉપયોગ કરે છે.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પુરુષોમાં અન્‍ય કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ કરતાં તમાકુ સાથે ગુટકા અથવા પાન મસાલાનો ઉપયોગ કરવાની શક્‍યતા દ્યણી વધારે હોય છે. પુરુષો અને મહિલાઓમાં, ગ્રામીણ વિસ્‍તારોમાં કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ વધારે છે - તમાકુ સાથે ગુટકા અથવા પાન મસાલા, ત્‍યારબાદ બીડી ખાસ કરીને ગ્રામીણ વિસ્‍તારોમાં લોકપ્રિય છે.

સમાજશાષાી ગૌરાંગ જાનીએ જણાવ્‍યું હતું કે, દારૂ પીવાની જેમ ગ્રામીણ મહિલાઓ માટે તમાકુનું સેવન એ પરંપરાઓનો એક ભાગ છે. તમાકુનો ઉપયોગ હજુ પણ એક સાંસ્‍કૃતિક પ્રથા છે અને ભોજન પછી મહિલાઓ બદામ અને તમાકુ ખાતી જોવા મળશે. હવે ગુટકાની સરળ ઉપલબ્‍ધતાને કારણે ગ્રામીણ વિસ્‍તારોમાં તમાકુના વપરાશમાં વધારો થયો છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

કેટલાક ગામડાઓમાં બાળકો પણ ખૂબ મોટા પાયે તમાકુનું સેવન કરતા જોવા મળે છે. ઉચ્‍ચ આરોગ્‍ય અધિકારીએ કહ્યું કે તમાકુનું સેવન કરતા બાળકોની સંખ્‍યા પણ રાજયમાં મોટી છે.

(4:04 pm IST)