Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

એનપીએની શરતોમાં છુટછાટ મળવાના એંધાણઃ ૯૦ને બદલે ૧૨૦ કે ૧૮૦ દિ'ની મુદત થશે

બજેટ પહેલા જ સરકાર નિર્ણય જાહેર કરશે

નવી દિલ્હી, તા. ૧૧ :. કેન્દ્રીય બજેટ રજૂ થતા પહેલા સરકાર એનપીએની શરતોમાં ઢીલ આપવા બાબતે રીઝર્વ બેંક અને સંબંધીત પક્ષો સાથે વાતચીત કરી રહી છે. જો આ બાબતે સંમતિ થશે તો કોઈ લોનને એનપીએમાં તબ્દીલ થવાની મુદત વધારીને ૧૨૦ દિવસ અથવા ૧૮૦ દિવસની કરી શકાય છે. અત્યારે જો કોઈ લોનની ચુકવણી ૯૦ દિવસ સુધી ન થાય તો તેને એનપીએમાં ગણી લેવામાં આવે છે.

કોવિડ-૧૯ મહામારીના કારણે બેંકીંગ સેકટરમાં એનપીએમાં વધારો થયો છે. ખાસ કરીને સરકારી નિયંત્રણવાળી બેંકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને એનપીએના નિયમોમાં ઢીલ આપવા બાબતે ચર્ચા શરૂ થઈ છે. સરકારનું માનવુ છે કે એનપીએમાં ફેરવવા માટેની નક્કી કરાયેલ મુદત બહુ ઓછી છે. આ અંગે એક સરકારી અધિકારીએ કહ્યુ કે એનપીએની ઓળખ સહિત ફસાયેલી લોન સાથે સંકળાયેલી વિભીન્ન સમસ્યાઓના સમાધાન માટેની સંભાવનાઓ પર વિચાર કરાઈ રહ્યો છે. બેંકોની હાલતક સુધારવા માટે વિભીન્ન વિભાગ અને નિયામક ચર્ચાઓ કરી રહ્યા છે. તેમા એક વિકલ્પ તરીકે એનપીએ વર્ગીકરણની મુદત ૯૦ દિવસથી વધારવા અંગે વિચાર થઈ રહ્યો છે. એવુ માનવામાં આવે છે કે લોન પાછી આપવાનો સમય ૯૦ દિવસથી વધારીને ૧૨૦ દિવસ કરાવવો જોઈએ. અધિકારીએ કહ્યું કે તેનાથી બેંકોને પોતાના લેજર વ્યવસ્થિત રાખવા અને પોતાના પરનો બોજ ઘટાડવામાં મદદ મળશે. બેંકરો અનુસાર, જો આ વિષય પર સંમતિ બની જશે તો તેનાથી બેંકો અને લોન લેનાર બન્નેને ફાયદો થશે. એનપીએ વર્ગીકરણના નિયમોમાં ફેરફાર કરવાથી બેંકોની કુલ એનપીએમાં મોટો ઘટાડો થશે. ઉપરાંત લોન લેનારને લોન ચુકવવા માટે વધારે સમય મળી જશે. લોન એનપીએ જાહેર ન થવાનો એક લાભ એ પણ છે કે અન્ય સ્ત્રોતોમાંથી રકમ મેળવવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે.

(3:41 pm IST)