Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કૃષિ કાયદા મામલે તમે પ્રતિબંધ મૂકો છો કે પછી અમે પગલા ભરીએ ? કોર્ટે સરકારનો કાન આમળ્યો

આંદોલન : સુપ્રિમ કોર્ટ ખેડૂતોની પડખે : સરકારની ઝાટકણી

ખેડૂત આંદોલન - કૃષિ કાયદા અંગે સુપ્રિમ કોર્ટમાં થઇ સુનાવણી : સરકારે જે પ્રકારે કામ લીધું તેનાથી કોર્ટે નિરાશા વ્યકત કરી

નવી દિલ્હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર આજે સખ્ત વલણ અપનાવીને પૂછયું છે કે શું તેઓ કાયદાને સ્થગિત કરે છે કે તેઓ કૃષિ કાયદા પર રોક લગાવે ? કોર્ટે વધુમાં ઉમેર્યુ કે ખેડૂતોની ચિંતાઓને કમિટીની સામે રાખવાની જરૂરીયાત છે. કોર્ટે ખેડૂત આંદોલન પર સરકારના વિવાદને ઉકેલવા અંગેની રીત પર નારાજગી વ્યકત કરી છે.

ખેડૂત આંદોલન સાથે જોડાયેલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી. આ દરમિયાન સીજેઆઇ એસ.એ.બોબડેએ કહ્યું કે, અમે નથી ઇચ્છતા કે અમારા હાથ રકતરંજીત થયા. જો સરકાર કંઇ પણ નહિ કરે તો અમે પગલા લેશું. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તેનું અમને દુઃખ છે પરંતુ સરકાર મૌન છે. આ પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે.

કોર્ટે વધુમાં ઉમેર્યું કે, કોઇ પણ પરામર્શ કર્યા વગર ખેડૂત કાયદો લાગુ કર્યો તેના પરિણામના ભાગરૂપે આવું સખ્ત આંદોલને વેગ પકડયું છે. આ સમસ્યાના તમે ભાગીદાર છો. કોર્ટે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા છીએ. સુપ્રીમની આંખ નીચે કમિટિની રચના થશે એ બધા માટે લાભદાયક રહેશે. સરકાર આ કમિટિની રચના કરશે જેના ઉપર સુપ્રીમની વોચ રહેશે. આ કમિટિ ખેડૂત અને સરકાર વચ્ચે સમાધાન કરશે. ખેડૂત બાજુથી દુષ્યંત દવે સુપ્રીમમાં હાજર રહ્યા હતા.

સીજેઆઇ એસ એ બોબડે કહ્યું કે, અમારી પાસે એક પણ દલીલ નથી. જેમાં અમે આ કાયદાની પ્રશંસા કરી હોય. અમે ખેડૂત મામલે વિશેષજ્ઞ તો નથી પરંતુ તમે કાયદાને રોકશો કે અમે પગલા ભરીએ. લોકો મરી રહ્યા છે. ઠંડીમાં બેઠા છે, ત્યાં ખાણી-પીણીની કંઇ પણ વ્યવસ્થા નથી. અમે એ માલુમ નથી કે તમે સમસ્યાનો ભાગ છો કે સમાધાનનો ભાગ છો.

અટોર્ની જનરલે કહ્યું કે કાયદા પહેલાં એકસપર્ટ કમિટી બની. કેટલાંય લોકો સાથે ચર્ચા કરી. પહેલાંની સરકારો પણ આ દિશામાં કોશિષ કરી રહ્યું છે. CJIએ કહ્યું કે આ દલીલ કામ આવશે નહીં કે પહેલાંની સરકારે તેને શરૂ કર્યું હતું. CJI એ કહ્યું કે તમે કોર્ટને ખૂબ અજીબ સ્થિતિમાં મૂકી દીધી છે. લોકો કહી રહ્યા છે કે અમારે શું સંભળાવું જોઇએ, શું નહીં. પરંતુ અમે અમારો ઇરાદો સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે ઉકેલ લાવો. જો તમારા સમજમાં છે તો કાયદાના અમલ પર જોર ના આપો. વાત શરૂ કરો. અમે પણ રિસર્ચ કર્યું છે અને એક કમિટી બનાવા માંગીએ છીએ.

ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ કોઇપણ નાગરિકને એ આદેશ આપી શકતી નથી કે તમે પ્રદર્શન ના કરો. હા એ ચોક્કસ કહી શકાય કે તમે આ જગ્યાએ પ્રદર્શન કરો. જો કોઇ ઘટના બને છે તો તેના માટે જવાબદાર બધા રહેશે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમને લાગે છે કે જે રીતે ધરણા પ્રદર્શન પર હરકતો (ઢોલ-નગારા વગેરે) થઇ રહી છે તેને જોતા લાગે છે કે એક દિવસ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં કંઇક ઘટિત થઇ શકે છે. અમે નથી ઇચ્છતા કે કોઇ ઘાયલ થાય.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન માટે શું - શું કહ્યું ?

નવી દિલ્હી તા. ૧૧ : મોદી સરકારના કૃષિ કાયદા સામે પંજાબ-હરિયાણાના ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જયાં સુધી કેન્દ્ર સરકાર નવા કાયદાને પાછા નહિ લે ત્યાં સુધી તે દિલ્લીની બોર્ડર પર મોરચો સંભાળીને રાખશે. આ દરમિયાન આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો જયાં સોમવારે ડીએમકે સાંસદ તિરૂચિ શિવા, રાજદ સાંસદ મનોજ ઝા સહિત ઘણા લોકો તરફથી દાખલ અરજીની સુનાવણી થઈ. આ અરજીઓમાં ત્રણ કૃષિ કાયદાની બંધારણીયતાને પડકારવામાં આવી હતી.

.   સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ શરદ અવરિંદ બોબડેએ કહ્યુ કે જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તેનાથી અમે નિરાશ છીએ.

.   સીજેઆઈએ પૂછ્યુ કે અમે નથી જાણતા કે શું વાતચીત ચાલી રહી છે? શું થોડા સમય માટે કૃષિ કાયદાને સ્થગિત કરી શકાય છે?

.   કોર્ટે કહ્યુ કે અમુક લોકોએ આંદોલન દરમિયાન આત્મહત્યા કરી લીધી. આમાં વૃદ્ઘો અને મહિલાઓ પણ શામેલ થયા. અત્યાર સુધી કોઈએ એક પણ અરજી એવી દાખલ કરી નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે ત્રણે કાયદા ખેડૂતોના ભલા માટે છે.

.   સીજેઆઈએ કહ્યુ કે જો કંઈ ખોટુ થશે તો આપણે સૌ તેના જવાબદાર હોઈશુ, અમે પોતાના હાથે કોઈનુ ખૂન નથી ઈચ્છતા. જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને લાગુ થતા રોકવા ન માંગતી હોય તો અમે તેના પર રોક લગાવી દઈશુ.

.   વળી, એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ કે જયાં સુધી એ ખબર ન પડે કે કાયદો બિલ વિના પાસ થયો છે ત્યાં સુધી અદાલત કાયદા પર રોક ન લગાવી શકે આનાથી મૌલિક અધિકારોનુ ઉલ્લંઘન થાય છે.

.   સીજેઆઈએ કહ્યુ કે જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના માટે સરકારે જવાબદારી લેવી જોઈએ, જો તમે કોઈ કાયદો લાવી રહ્યા હોય તો વધુ સારી રીતે લાવી શકાય છે.

.        ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર સીજેઆઈએ કહ્યુ કે સરકારે સ્થિતિને યોગ્ય રીતે સંભાળી નથી, અમારે આજે કાર્યવાહી કરવી પડશે.

(3:27 pm IST)