Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઇમરાનનો ફરી કાશ્મીર રાગઃ ૩૭૦ની પુનઃસ્થાપના સુધી ભારત સાથે વાત નહીં

એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો જયાં સુધી જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની વાપસી સુધી ભારત સાથે વાતચીત થશે નહીં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રવિવારે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરનો સ્વાયત્ત્। સ્થિતિ (આર્ટિકલ ૩૭૦)ની વાપસી સુધી ભારત સાથે કોઈ વાતચીત સંભવ નથી. ઇસ્લામાબાદમાં ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન ભારતની સાથે વાર્તાની સંભાવનાઓને લઈને પૂછવામાં આવેલા એક સવાલ પર ખાને આ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું, 'જમ્મુ-કાશ્મીરનો સ્વાયત્ત્। દરજ્જો પરત આપવા સુધી ભારત સાથે વાતચીત સંભવ નથી.' તેમણે દાવો કર્યો, ભારતને છોડીને અમારો કોઈ સાથે શત્રુતાપૂર્ણ સંબંધ નથી. પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો પ્રયાસ ભારત કરી રહ્યું છે.

ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ રૂપથી જણાવી ચુકયું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ના મોટાભાગની જોગવાઈઓને ખતમ કરવી તેનો આંતરિક મામલો છે. ભારત પહેલા પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકાર કરવા અને ભારત વિરોધી તમામ ખોટા પ્રચારોથી દૂર રહેવાનું કહી ચુકયું છે.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન આ પહેલા પણ ઘણીવાર કાશ્મીરનું નામ લેતા ભારત પર આરોપ લગાવી ચુકયા છે. તેમણે પાછલા વર્ષે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં પીએમ બન્યા બાદ મેં ભારતને શાંતિ પ્રસ્તાવ આપ્યો હતો. સાથે ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો તે શાંતિ તરફ એક ડગલું ભરશે તો પાકિસ્તાન બે ડગલા ભરશે.

ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારત શાંતિ તરફ આગળ વધવાની જગ્યાએ કાશ્મીરને કબજે કર્યું અને અન્યાયની નવી શરૂઆત કરી દીધી. તેમણે કહ્યું કે, ભારતે કાશ્મીરમાં સૈન્ય ઘેરાબંધી કરી દીધી છે.

(10:15 am IST)