Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો ભાજપને ટોણો : કહ્યું ચૂંટણી સમયે દોસ્ત કોણ, દુશ્મન કોણ ખબર નથી પડતી

જેડીયુની પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં જેડીયુને પડેલી પછડાટ પાછળ ભાજપના રોલ પર પ્રશ્નો ઊભા કર્યા

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે ફરી એકવખત ભાજપ પર ટોણો માર્યો છે. શનિવારે જનતા દળ યુનાઈટેડની પ્રદેશ કાર્યકારિણીની બેઠક દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. નીતીશકુમારે 2 દિવસીય પ્રદેશ કાર્યકારિણીની પહેલા દિવસની બેઠકમાં સંબોધન કર્યું. જેમાં કહ્યું હતું કે, ચૂંટણી સમયે ખબર જ ન પડી કે, દોસ્ત કોણ અને દુશ્મન કોણ?

બિહારની રાજકીય લોબીમાં એક એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે, નીતીશકુમારનું આ નિવેદન સાથીપક્ષ ભાજપને ઘ્યાને લઈને આપવામાં આવ્યું છે. કારણ કે, બેઠકમાં ચૂંટણીમાં હારી જનારા ઘણા જેડીયુ ઉમેદવારે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, એમની હાર લોક જનશક્તિ પાર્ટીને કારણે નહીં પણ ભાજપને કારણે થઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં જે જેડીયુ નેતાને પડેલી પછડાટની પાછળ ભાજપના રોલ પર પ્રશ્નો ઊભા કર્યા હતા એમાં ચંદ્રિકા રાય, બોગોસિંગ, જય કુમાર સિંહ, લલન પાસવાન, અરૂણ માંઝી અને આસમા પરવીનનો સમાવેશ થાય છે.

આ તમામ નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણીમાં એમની હાર લોક જનશક્તિ પાર્ટીને કારણે નહીં પણ ભાજપને કારણે થઈ છે. મટિહાની વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી હારનારા જનતા દળ યુનાઈટેડના ઉમેદવાર બોગો સિંહે કહ્યું કે, આખી ચૂંટણીમાં નારો ચારેય બાજુ પડઘાયો છે. LJP-BJP ભાઈ ભાઈ. એ વાતને નકારી ન શકાય કે, એનું પરિણામ જેડીયુંને ભોગવવું પડ્યું છે. જે વાત સાચી છે એને વેગ મળવો જરૂરી છે. જેડીયુંને પરાસ્ત કરવામાં LJP કરતા BJP વધારે જવાબદાર છે. લોક જનશક્તિ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. આ બધુ સંપૂર્ણ પ્લાનિંગથી થયેલું છે. ભાજપના મતદાતાઓએ જ મને મત નથી આપ્યા.

(12:00 am IST)