Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

હરિયાણામાં ભાજપની ખેડૂત મહાપંચાયતમાં સર્જાયેલ ધમાલ અંગે મનોહરલાલ ખટ્ટર આગ બબુલા: કહ્યું કે આ બબાલ પાછળ કોંગ્રેસ અને સામ્યવાદીઓ છે

ભાજપ દ્વારા યોજાયેલ કિસાન મહાપંચાયતના આયોજનમાં સર્જાયેલ બબાલ ઉપર બોલતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે આ બબાલ પાછળ કોંગ્રેસ અને સામ્યવાદીઓનો હાથ છે.

તેમણે કહેલ કે વહીવટીતંત્રે દેખાવ કરી રહેલા ખેડૂતો સાથે ગઈકાલે વાતચીત કરી હતી. તેઓ પ્રતિકાત્મક દેખાવ માટે તૈયાર થઈ ગયેલ હતા. પરંતુ આંદોલન માટે નહીં. તેમના ઉપર વિશ્વાસ રાખીને વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી હતી. આજના કાર્યક્રમમાં ૫૦૦૦થી વધુ લોકો આવ્યા હતા, પરંતુ કેટલાંક યુવાનો પોતાનું વચન નિભાવવામાં અસફળ રહ્યા છે.

શ્રી ખટટરે કહેલ કે આજની ઘટનાએ લોકોને જે સંદેશ આપ્યો છે તે સંદેશ હું કહેવા માગતો હતો તેનાથી પણ મોટો છે. આ લોકોએ ખેડૂતોને બદનામ કરેલ છે. ખેડૂતોનું આવું ચરિત્ર હોતું નથી. એક ખેડૂત ઓછું ભણેલો અથવા તો સાધારણ હોઈ શકે છે પરંતુ તે સંવેદનશીલ હોવાનું હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કરનાલમાં થયેલ બબાલ ઉપર બોલતા કહેલ.

વિશેષમાં તેમને કહ્યું હતું કે હરિયાણામાં ગરીબોને કોરોના વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે. કેટલાક લોકો આ માટે સબસીડી આપવામાં મદદ કરે તો વધુ સારું, કારણ કે આ તમામને વેક્સિન આપવાનો ખર્ચ ખૂબ મોટો થશે.

તેમણે ફરી ફરીને કહ્યું હતું કે મને લાગે છે કે આ આંદોલનની પાછળ કોંગ્રેસ અને કમ્યુનિસ્ટો છે. તેમણે એમ પણ કહેલું કે આ ઘટના માટે કોઈ જવાબદાર હોય તો તે ભારતીય કિસાન યુનિયન-બીકેયુંના ગુરનામસિંહ ચડૂની છે. લોકોને ભડકાવતો તેમનો એક વિડીયો બે દિવસથી વાયરલ થઇ રહ્યો છે.

હરિયાણાના સીએમએ કહેલ કે કોઈ બોલવા માગતું હોય તો તેને રોકવાનું યોગ્ય નથી. મને નથી લાગતું કે લોકો ડો. બી આર આંબેડકર દ્વારા આપવામાં આવેલ બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનને સહન કરી લેશે. કોંગ્રેસે ૧૯૭૫માં લોકતંત્ર ખતમ કરવાની કોશિશ કરી હતી એ સમયે લોકોએ તેમના ખોટા કામોને ઓળખી લીધા હતા અને કોંગ્રેસને સત્તા બહાર ફેંકી દીધી હતી.

હરિયાણાના ભાજપના મુખ્યમંત્રી શ્રી ખટરે વધુમાં કહેલ કે આપણા દેશમાં મજબૂત લોકશાહી છે. બધાને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. અમે આ કહેવાતા ખેડૂતો અને તેના નેતાઓના નિવેદનો ઉપર ક્યારેય પ્રતિબંધ લાગ્યો નથી. તેમનું આંદોલન ચાલુ છે. કોરોના હોવા છતાં અમે તેમના માટે વ્યવસ્થા કરી છે.

હરિયાણાના કરનાલ ખાતે કિસાન મહાપંચાયત દરમિયાન આજે થયેલી મોટી બબાલ ઉપર મનોહરલાલ ખટ્ટર આક્રોશ દર્શાવી રહ્યા હતા. હજારો ખેડૂતો અચાનક સભા સ્થળે ઉમટી પડતાં પોલીસે ટિયરગેસ અને વોટર કેનનનો મારો ચલાવવો પડ્યો હતો. આ મહાપંચાયત યોજી શકાયેલ નહીં. શ્રી ખટર નવા કૃષિ કાનૂનોની સારી અસરો અંગે ખેડૂતો સમક્ષ વાત કરવાના હતા.

(12:00 am IST)