Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

એઇમ્સ આડે વિઘ્ન? ગુજરાત સરકારે હજુ પ્રાઈવેટ જમીન પ્રાપ્ત કરવાની બાકી છે

કેન્દ્ર સરકારે એમ્સની સાઈટની વચ્ચોવચ્ચ ૩ પ્રાઈવેટ પાર્ટીઓના પ્લોટ વિશે પૂછયું: આ પ્રાઈવેટ પાર્ટી પ્લોટ સોંપે પછી જ નિર્માણ કાર્ય શરૂ થઈ શકે તેમ છેઃ ફોર લેન રસ્તો ગુજરાત સરકારે તૈયાર કરાવવો પડશેઃ ૨૦ મેગાવોટની વિજળી સપ્લાયની અને પુરતા પાણીની વ્યવસ્થા પણ કરાવવી પડશેઃ રેલ્વે લાઈન ઉપર બ્રીજ પણ બાંધવો પડશેઃ એઇમ્સની સાઈટ ઉપરથી હાઈટેન્શન લાઈન પસાર થાય છે તે પણ દૂર કરવી પડશે

નવી દિલ્હી, તા. ૧૧ :. ગઈકાલે કેન્દ્રીય કેબીનેટે રાજકોટમાં એઇમ્સ સ્થાપવાને મંજુરી આપી દીધી છે, પરંતુ હજુ આ માટે પ્રાઈવેટ પાર્ટીઓ પાસેથી જમીન લેવાનું બાકી હોવાનું જાણવા મળે છે. દિલ્હીથી આવેલા પત્રમાં ગુજરાત સરકારને જણાવાયુ છે કે, અન્ય સુવિધાઓની સાથે સુચિત હોસ્પીટલના નિર્માણ માટે જમીન અંગેનું કમીટમેન્ટ તે આપે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ૩ જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે રાજકોટ નજીક ખંઢેરીમાં એઇમ્સ સ્થાપવામાં આવશે અને સરકારે આ માટે ૧૨૦ એકર જમીન પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકાર આ હોસ્પીટલના નિર્માણ માટે વિનામૂલ્યે જમીન કેન્દ્રને આપશે.

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના ડાયરેકટર સંજય રોયે લખેલા પત્રમાં જણાવાયુ છે કે એઇમ્સ જ્યાં બનવાની છે ત્યાં વચ્ચે ૩ પ્રાઈવેટ પાર્ટીઓના પ્લોટ આવેલા છે જે રાજ્ય સરકારે હજુ પ્રાપ્ત કરવાના બાકી છે. પત્રમાં જણાવાયુ છે કે રાજ્ય સરકારે અમને ખાત્રી આપવી પડશે કે આ પ્રાઈવેટ જમીન કે જે સાઈટની વચ્ચોવચ્ચ આવેલી છે તે પ્રાપ્ત કરવાની રહેશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ શરતે જ રાજકોટમાં એઇમ્સને મંજુરી આપી હોવાનું જણાવ્યુ છે.

આ જમીન પ્રાપ્ત કરવી એટલુ જ નહિ ગુજરાત સરકારે એ પણ ખાત્રી આપવાની રહેશે કે આ જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ નથી તે પછી જ કેન્દ્ર ત્યાં નિર્માણ કરશે.

આ જમીન પ્રાપ્ત કરવા ઉપરાંત રાજ્ય સરકારે સાઈટ સુધી ફોર લેન કનેકટવીટીનો માર્ગ પણ તૈયાર કરાવવો પડશે. સાઈટ નજીક રેલ્વે લાઈન આવેલી છે અને તેથી ગુજરાત સરકારે ઓવર બ્રીજનું નિર્માણ પણ કરવુ પડશે. આ ઉપરાંત હોસ્પીટલ માટે બે વિવિધ ફીડર લાઈનમાંથી વિજળી મળે તે માટે ૨૦ મેગાવોટના પાવરની પણ જોગવાઈ કરવી પડશે. આ ઉપરાંત પુરતુ પાણી મળે તેવી પણ વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત સરકારને જણાવાયુ છે કે એઇમ્સની સાઈટ પરથી હાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે તે પણ શીફટ કરવી પડશે. રાજકોટમાં ૧૧૯૫ કરોડના ખર્ચે એઇમ્સ બનવાની છે એ અત્રે નોંધનીય છે.(૨-૫)

(11:34 am IST)