Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભારતીય મૂળના મહિલા શિક્ષિકા સુશ્રી જશુબેન વેકરિયાનો બ્રિટનમાં દબદબો : " મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર " નું બિરુદ મેળવ્યું

લંડન : ભારતના કચ્છના વતની પરિવારના  મહિલા શિક્ષિકા સુશ્રી જશુબેન વેકરિયાએ બ્રિટનમાં " મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર " નું બિરુદ મેળવી લેઉઆ પટેલ જ્ઞાતિ તેમજ વતનનું ગૌરવ વધાર્યું છે.તેમના માતુશ્રીનો જન્મ કચ્છના માંડવી ગામે થયો હતો.જેઓના લગ્ન લંડન મુકામે થયા હતા.

લંડનમાં જન્મેલા સુશ્રી જશુબેન વ્યવસાયે શિક્ષિકા  લંડનની મેનોરપ્રાઈમરી  સ્કૂલમાં આસિસ્ટ્ન્ટ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત  દર શનિવારે સવારે કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના સ્વામીબાપા ગુજરાતી સ્કૂલની આગેવાની લઇ બાળકોમાં અભ્યાસની સાથે સંસ્કારોનું સિંચન કરે છે.

પોતાના અનુભવ અંગે તેઓ કહે છે કે, હું બાળકોને જોઇને શીખવવાનું શરૂ કરું, એ સમયથી જ થાક અદ્રશ્ય થઇ જાય છે. આ જ જિંદગીનો ખરો આનંદ છે. આ રીતે વિદ્યાર્થી ગ્રુપને સેવા આપવા સક્ષમ બનાવવાની નોંધ યુનાઇટેડ કિંગડમની અસાધારણ લોકોની સિદ્ધિઓ અને સેવાને માન્ય કરતી યાદીમાં લેવાઇ. તેમણે આ અગાઉ 10 શ્રેષ્ઠ  શિક્ષકોમાં પણ સ્થાન મેળવી ગોલ્ડ પ્લેટો એવોર્ડ મેળવેલો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)