Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

લોકોએ ધાબા પર સોલાર પેનલ તો નંખાવી, પણ હવે સબસિડીને બ્રેક

સરકાર સબસિડી માટેનું ફંડ ખૂટી જતા છેલ્લા બે મહિનામાં સોલર રૂફ ટોપ માટે અરજી કરનારા ૯૦૦થી વધુ વધુ અરજદારો હાલમાં અટવાઇ પડયા : રાજ્ય સરકારે એક કિલો વોટની પેનલ પર રૂ. ૧૦,૦૦૦ લેખે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦ સુધીની સબસિડી જાહેર કરી હતીઃ જ્યારે કેન્દ્ર સરકારે એ જ પ્રમાણે ૩૦ ટકા સુધીની સબસિડી જાહેર કરી હતી

નવી દિલ્હી તા. ૧૧ : રાજય અને કેન્દ્ર સરકારની સોલર એનર્જી રૂફ ટોપ યોજના માટે જાહેર કરાયેલી સબસિડીના કારણે અનેક લોકોએ તેમના ધાબા ઉપર સોલર રૂફ ટોપ યોજનાને સ્વીકારી હતી, પરંતુ હવે શહેરના કોઇ પણ અરજદારોએ જો સોલર રૂફ ટોપ પેનલ નંખાવવી હશે તો રાજય અને કેન્દ્ર સરકારની મળતી સહાય માટે છ મહિના રાહ જોવી પડશે. સરકાર પાસે સબસિડી માટેનું ફંડ ખૂટી જતાં છેલ્લા બે મહિનામાં સોલર રૂફ ટોપ માટે અરજી કરનારા ૯૦૦થી વધુ અરજદારો હાલમાં અટવાઇ પડયા છે. હવે એપ્રિલ માસમાં નવા નાણાકીય વર્ષથી સબસિડી આપવી કે નહીં તે અંગેનો નિર્ણય સરકાર બજેટ સત્ર બાદ લેશે.

સૌર ઊર્જાના યોગ્ય ઉપયોગ માટે શહેરીજનો આગળ આવે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારે એક સંયુકત યોજના તૈયાર કરીને લોકોને પ્રોત્સાહન આપવા માટે રહેણાકના હેતુ માટે વપરાતી સોલર પેનલ યોજના માટે સબસિડી જાહેર કરી હતી. રાજય સરકારે એક કિલો વોટની પેનલ પર રૂ.૧૦,૦૦૦ લેખે વધુમાં વધુ રૂ.ર૦,૦૦૦ સુધીની સબસિડી જાહેર કરી હતી. જયારે કેન્દ્ર સરકારે એ જ પ્રમાણે ૩૦ ટકા સુધીની સબસિડી જાહેર કરી હતી.

સોલર પેનલ લગાવી આપવા માટે અમદાવાદ સહિત રાજયભરમાંં કુલ ૧૧૦ એજન્સીઓ શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. અત્યાર સુુધી નાણાકીય વર્ષ ર૦૧૭માં અમદાવાદમાં ૮,૦૦૦થી વધુ  અરજદારોએ રાજય અને કેન્દ્ર સરકારની સબસિડીનો લાભ લેવા માટે રૂફ ટોપ સોલર માટે અરજી કરી હતી. આ અરજીઓના આધારે પ,૦૦૦થી વધારે રૂફ ટોપ સોલર પેનલ લાગી ગઇ છે. જયારે બાકીની અરજીઓ પર કામગીરી ચાલી રહી છે.

છેલ્લા ૧પ દિવસ દરમિયાન સબસિડી બંધ કરવાની જાહેરાત કરી દેવાઇ છે. જેના કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન પર પણ બ્રેક લાગી ગઇ છે. જે અરજદારોએ અરજી કરી દીધી છે તેમની સ્ક્રુટિનીની કામગીરીમાં પણ સમય લાગી રહ્યો છે. તો કેટલાક કિસ્સાઓમાં અનેક અરજદારોની અગાશી પર સોલર પેનલ લાગી ગઇ હોવા છતાં ઇલેકિટ્રસિટી કંપનીમાંથી મીટર નહીં મળતાં સોલર પનલ એકિટવેટ થઇ શકી નથી. મીટર આપવામાં એકથી બે મહિનાનો સમય લાગી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો થઇ રહી છે.

(4:16 pm IST)