Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગ્લોબલ બનશે રામદેવની પતંજલિ? વિદેશી કંપનીએ કરી ઓફર

ફ્રાન્સની કંપનીએ સહયોગ માટે રસ દાખવ્યો

નવી દિલ્હી તા. ૧૧ : ફ્રાન્સની લકઝરી ગ્રુપ કંપની LVMHએ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ સાથે પાર્ટનરશિપ કરવામાં રસ દાખવ્યો છે. એલ કૈટર્ટન એશિયાના મેનેજિંગ પાર્ટનર રવિ ઠાકરા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમને કોઈ મોડલ મળશે તો અમે તેમની સાથે ચોક્કસપણે બિઝનેસ કરવા માંગીશુ.

LVMHની પાર્ટનરશિપ વાળી એલ કૈટર્ટન પ્રાઈવેટ ઈકિવટી ફંડ પોતાના એશિયા ફંડમાંથી વધેલી રકમની અડધી કિંમત એટલે કે ૫૦ કરોડ ડોલરથી પતંજલિમાં ભાગીદારી ખરીદવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે પતંજલિ પાછલા થોડાક વર્ષોમાં દેશની મોટી FMCG કંપનીઓમાં શામેલ થઈ ગઈ છે. તેણે હિન્દુસ્તાન યૂનિલીવર, કોલગેટ પામોલિવ અને ડાબર જેવી ગ્લોબલ અને લોકલ કંપનીઓને ટક્કર આપી છે.

ઠાકરાને જણાવ્યું કે, પતંજલિ ગ્લોબલ કંપની બની શકે છે. પતંજલિ પોતાના પ્રોડકટ્સ અમેરિકા, જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને યૂરોપમાં પણ વેચી શકે છે અને એલ કૈટર્ટન તેની મદદ કરશે. કંપનીમાં સ્ટેક લેવો કદાચ શકય ન હોય પરંતુ પતંજલિ ફંડિગની શોધમાં છે. રામદેવે પોતાને એન્ટી-મલ્ટીનેશનલ બિઝનેસમેન તરીકે રજુ કર્યા છે. તે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે અને થોડાક જ વર્ષોમાં તેમની કંપની ધણી મોટી થઈ ગઈ છે.

પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે અમે કંપનીનો સ્ટેક વેચવા નથી માંગતા. પતંજલી ભારતીય કરન્સીમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનું દેવું લેવા માંગે છે. બાલકૃષ્ણએ કહ્યું કે કંપનીને બેન્કો પાસેથી ઓછા રેટ પર લોન મળવાની આશા છે. આ માટે UBSએ અમુક વિદેશી રોકાણકારો સાથે મીટિંગ ફિકસ કરી છે. પતંજલિમાં ભાગીદારી વેચવામાં નહીં આવે, પરંતુ તે એલ કૈટર્ટન સાથે વાત કરવા તૈયાર છે.

બાલકૃષ્ણએ આગળ કહ્યું કે, દુનિયા એકબીજાની મદદ કરવાથી ચાલે છે. અમે અમારી શરતો પર મદદ લેવા તૈયાર છીએ. અમે ઈકિવટી અથવા શેર વેચીને પૈસા નહીં લઈએ. પરંતુ જયારે દેશ વિકાસ માટે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે અને વિદેશી પૈસા આવી રહ્યા છે તો અમે અમારી શરતો પર તેને સ્વીકારવા તૈયાર છીએ. ઠાકરનના જણાવ્યા અનુસાર પતંજલિની વેલ્યુ અત્યારે ૫ અબજ ડોલર છે. તેમણે કહ્યું કે, અમે કંપનીને ભારતની બહાર બ્રાન્ડ ક્રિએટ કરવામાં મદદ કરવા માંગીએ છીએ.

(4:16 pm IST)